JAMNAGAR જામનગરના હરીપર ગામે રેન્જ આઈજીની ટીમની રેડ: ૭૧૫૦ લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ પકડાયું

JAMNAGAR જામનગરના હરીપર ગામે રેન્જ આઈજીની ટીમની રેડ: ૭૧૫૦ લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ પકડાયું
રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચના અન્વયે રાજકોટ રેન્જ પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોસઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને ટીમે જામનગરના કાલાવડ તાલુકાના હરીપર ગામે દરોડો પાડી ભેળસેળયુક્ત દૂધનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે.
મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે હરીપર ગામે દૂધના ધંધાર્થીઓના મકાનો તથા ડેરીઓ પર રેડ પાડી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ, વનસ્પતિ ઘી અને પાવડરનો જથ્થો મળી આવ્યો હતો.
ઝડપાયેલ મુદ્દામાલ:શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ: ૭,૧૫૦ લીટર ,વનસ્પતિ ઘી: ૧૨૦ કીલો ,દૂધ બનાવવાનો પાવડર: ૧૫ કીલો
કારવાઈ હેઠળ આવેલા શખ્સો:૧. મેરૂભાઇ વીરાભાઇ ભારાઇ (રહે. રબારીપાળો, હરીપર) ૨. અરજણભાઇ હમીરભાઇ હુણ (રહે. હરીપર) ૩. બધાભાઇ બાવનભાઇ ચાવડા (રહે. હરીપર) ૪. મેરૂભાઇ બધાભાઇ વંશ (રહે. રબારીપાળો, હરીપર) ૫. રાણાભાઇ બટુકભાઇ ભારાઇ (રહે. રબારીપાળો, હરીપર) ૬. બોધાભાઇ નાથાભાઇ વંશ (રહે. રબારીપાળો, હરીપર)
દરોડા બાદ પોલીસ ટીમે ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરતાં ફૂડ સેફ્ટી ઓફિસર (FSO) ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે શંકાસ્પદ દૂધના સેમ્પલ લઈ સીલ કર્યા હતા. માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે તમામ ભેળસેળયુક્ત દૂધ, વેજીટેબલ ઘી અને પાવડરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તમામ આરોપીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









