
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા- ‘બકરાનો ધંધો અમારો છે’ કહી ટ્રાન્સપોર્ટરને ધમકી! મોડાસામાં બે ભાઈઓ સામે ફરિયાદ
મોડાસામાં બકરાના વેપારના મુદ્દે ધમકી અને બદનામીનો આક્ષેપ, બે ભાઈઓ સામે ફરિયાદ
મોડાસામાં બકરાના વેપારને લઈને ધમકી, ગાળો અને સોશિયલ મીડિયા મારફતે બદનામ કરવાનો આક્ષેપ કરતી ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદી સલાઉદ્દીનભાઈ ઉસ્માનભાઈ મનવા, ઉંમર 41 વર્ષ, વ્યવસાયે ટ્રાન્સપોર્ટર, દ્વારા કાસમ ઈસ્માઈલભાઈ દાદુ અને સલીમ ઈસ્માઈલભાઈ દાદુ સામે ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદ મુજબ, આશરે 20 દિવસ અગાઉ મખદુમ હાઈસ્કૂલ પાસે સલીમ દાદુએ ફરિયાદીને ટ્રાન્સપોર્ટમાં બકરાની ગાડીઓ કેમ ભરાવે છે તે અંગે પ્રશ્ન કરી આ ધંધો પોતાનો હોવાનું કહી ધમકી આપી હતી. ત્યારબાદ કાસમ દાદુ પણ ત્યાં આવી ગાળો આપી ધંધો બંધ નહીં કરે તો માર મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, તા.16 ઓગસ્ટ 2026ના રોજ રાત્રે આશરે 9 વાગ્યે કાદરશાહની દરગાહ નજીક ઘાંચી આરોગ્ય મંડળ તરફ જવાના રસ્તાની ગલીમાં બંને ભાઈઓએ ફરિયાદીને ફરીથી ધમકી આપી હતી. ફરિયાદીનો આક્ષેપ છે કે, બંનેએ પોતાને “ઇન્ટરનેશનલ સ્મગલરો” ગણાવી અગાઉ અનેક વખત જેલમાં ગયેલા હોવાનું કહી ધમકી આપી હતી.
આ ઉપરાંત રોડ ટ્રાન્સપોર્ટ યુનિયનના વોટ્સએપ ગ્રુપમાં ફરિયાદીનો ફોટો એડિટ કરીને મજાક ઉડાવવાનો, ઉંદરનાં ફોટા લગાવી સોશિયલ મીડિયા મારફતે સમાજમાં બદનામ કરવાનો તથા તેના ટ્રાન્સપોર્ટના ધંધાને નુકસાન પહોંચાડવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદીનો વધુ આક્ષેપ છે કે, કેટલાક વ્યક્તિઓ મારફતે તેની પાછળ માણસો લગાવી ધમકીઓ અપાવવામાં આવે છે અને સિટી સેન્ટર વિસ્તારમાં તેનો વીડિયો બનાવી આરોપીઓને મોકલવામાં આવે છે. સમગ્ર મામલે ફરિયાદીએ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે તા.22 ઓગસ્ટ 2026ના રોજ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.




