
ખેરગામમાં આયુષ્યમાન મેળો કે માત્ર કાગળ પરનું આયોજન? ૨ સપ્ટેમ્બરે બપોરે ૨ વાગ્યે જાણ, ૩ સપ્ટેમ્બરે કેમ્પ; દર્દીઓને જાણ નહીં તો નિષ્ણાત તબીબો કોની તપાસ કરશે?
ખેરગામ : સરકાર દ્વારા લોકોને નિષ્ણાત તબીબી સેવાઓ મળી રહે તેવા હેતુથી ‘આયુષ્યમાન ભવઃ’ અંતર્ગત આયુષ્યમાન મેળા અને હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ખેરગામમાં યોજાનારા મહત્વના તબીબી કેમ્પ અંગે કેમ્પના એક દિવસ પહેલાં એટલે કે તા. ૨ સપ્ટેમ્બરે બપોરે આશરે ૨ વાગ્યાના સમયે જાણ કરવામાં આવતા સમગ્ર આયોજન સામે સવાલો ઊભા થયા છે.તા. ૩ સપ્ટેમ્બર, ગુરુવારે ખેરગામ રેફરલ હોસ્પિટલ ખાતે સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યા સુધી તબીબી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નવસારી જિલ્લા સરકારી મેડિકલ કોલેજમાંથી આંખ, ઈ.એન.ટી., માનસિક રોગ, ઓર્થોપેડિક્સ તથા સ્કિન સહિતના વિવિધ વિભાગોના નિષ્ણાત તબીબોની ટીમ ખેરગામ આવવાની છે.આટલી મોટી નિષ્ણાત તબીબોની ટીમ ખેરગામ આવવાની હોય ત્યારે સામાન્ય રીતે તેની જાણકારી લોકોને અગાઉથી આપવામાં આવે તેવી અપેક્ષા રહે છે. પરંતુ કેમ્પના માત્ર એક દિવસ પહેલાં અને તે પણ ૨ સપ્ટેમ્બરે બપોરે ૨ વાગ્યાની આસપાસ કાર્યક્રમની જાણ કરવામાં આવે તો તાલુકાની જનતા સુધી માહિતી પહોંચાડવા માટે કેટલો સમય બાકી રહે છે? તેવો સવાલ ઉઠી રહ્યો છે.ખેરગામ તાલુકામાં અનેક અંતરિયાળ ગામો આવેલા છે. આવા ગામોમાં રહેતા દર્દીઓને કેમ્પની જાણકારી પહોંચાડવી, તેમને હોસ્પિટલ સુધી લાવવા માટેની વ્યવસ્થા કરવી અને નિષ્ણાત તબીબોની સેવા અંગે લોકોને માહિતગાર કરવું હોય તો એક દિવસનો સમય પૂરતો છે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
*નિષ્ણાત તબીબો બોલાવ્યા, પરંતુ દર્દીઓને જાણ ક્યારે કરાઈ?* આયુષ્યમાન મેળાનો હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાત તબીબી સેવા ઉપલબ્ધ કરાવવાનો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો દર્દીઓને કેમ્પની જાણ જ સમયસર નહીં થાય અને દર્દીઓ કેમ્પમાં પહોંચશે નહીં તો નિષ્ણાત તબીબો કોની તપાસ કરશે? તબીબોની ટીમ, હોસ્પિટલ અને સમયની વ્યવસ્થા થઈ ગઈ, પરંતુ દર્દીઓ સુધી માહિતી પહોંચાડવા માટે પૂરતો પ્રચાર-પ્રસાર થયો કે નહીં તે અંગે હવે આરોગ્ય વિભાગ સામે પ્રશ્નો ઊભા થયા છે.આવા કેમ્પમાં વધુમાં વધુ દર્દીઓ લાભ લઈ શકે તે માટે અગાઉથી ગામેગામ જાણકારી પહોંચાડવી, આરોગ્ય કર્મચારીઓ મારફતે લાભાર્થીઓને જાણ કરવી તથા જાહેર સ્થળોએ જાહેરાત કરવી જરૂરી બને છે. પરંતુ અહીં કેમ્પના એક દિવસ પહેલાં જાણ કરાતા સમગ્ર આયોજનની અસરકારકતા સામે જ સવાલો ઉભા થયા છે.
*જાહેરાત માટેના ડિસ્પ્લે શોભાના સાધન બન્યા?*
આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે સરકારી યોજનાઓ અને આરોગ્યલક્ષી કાર્યક્રમોની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સ્ક્રોલિંગ ડિસ્પ્લે અને વિશાળ જાહેરાત બોક્સ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.પરંતુ જો આવા મહત્વના આરોગ્ય કેમ્પની માહિતી પણ સમયસર લોકો સુધી પહોંચાડવામાં ન આવે તો આ જાહેરાત વ્યવસ્થાની ઉપયોગિતા સામે સવાલો ઊભા થાય છે.
જાહેરાતના સાધનો છે, પરંતુ સમયસર જાહેરાત કેમ નહીં?
નિષ્ણાત તબીબોની ટીમ છે, પરંતુ દર્દીઓને જાણ ક્યારે?
કેમ્પનું આયોજન છે, પરંતુ પ્રચાર-પ્રસાર ક્યાં?
ખેરગામની જનતામાં હવે ચર્ચા છે કે આયુષ્યમાન મેળા જેવા મહત્વના કાર્યક્રમો માત્ર આયોજન પૂરતા ન રહે અને તેનો વાસ્તવિક લાભ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી યોગ્ય આયોજન અને પ્રચાર-પ્રસાર કેમ કરવામાં આવ્યો નથી?


