નવસારી મનપાની બાકી મિલકતવેરા સામે કડક કાર્યવાહી , ૧૦ દિવસમા વેરો નહીં ભરાય તો મિલકત જપ્ત કરાશે
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગે મિલકત વેરાની બાકી વસુલાતને લઈને કડક વલણ અપનાવ્યું છે. મનપા વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નં. ૧થી ૧૩માં આવેલી જર્જરિત, ખંડેર અથવા ઉપયોગમાં ન હોય તેવી મિલકતોના માલિકોને બાકી મિલકત વેરો તાત્કાલિક ભરપાઈ કરવા જાહેર નોટિસ મારફતે તાકીદ કરવામાં આવી છે.
મનપાની જાહેર નોટિસ મુજબ, સંબંધિત મિલકતધારકોએ નોટિસ પ્રસિદ્ધ થયાના દિવસથી દિન-૧૦ (દસ દિવસ)માં બાકી મિલકત વેરો તેમજ લાગુ પડતી અન્ય રકમની ચુકવણી કરવાની રહેશે.
નિર્ધારિત સમયમર્યાદામાં વેરો ભરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા લાગુ નિયમો અને જોગવાઈઓ અનુસાર સંબંધિત મિલકતની આકારણી રદ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ જરૂરી જણાય તો મિલકત પર વધારાનો વેરો લાદવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
મનપાએ સ્પષ્ટ કર્યું છે કે બાકી વેરાની વસુલાત માટે નિયમ મુજબની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત મિલકતધારકની રહેશે.
આથી વોર્ડ નં. ૧થી ૧૩ના તમામ સંબંધિત મિલકતધારકોને સમયમર્યાદામાં પોતાનો બાકી મિલકત વેરો ભરી મહાનગરપાલિકાને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. નવસારી મનપાની સત્તાવાર મિલકત વેરા વ્યવસ્થા મુજબ મિલકત વેરાની ગણતરી તથા વસુલાત માટે નિર્ધારિત નિયમો અમલમાં છે.


