
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વઘઈ ખાતે “સ્વચ્છતા સાથે વિકાસની દિશામાં એક કદમ” સૂત્ર હેઠળ તા ૧ સપ્ટેમ્બરના રોજ ‘વિકાસ સપ્તાહ–૨૦૨૬’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સ્વચ્છતા શપથ, સ્વચ્છતા ઝુંબેશ માર્ગદર્શન તેમજ ‘ગુજરાત વિકાસયાત્રા’ પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમા આચાર્યશ્રી ડૉ. જે. એમ. ભોયાએ સ્વચ્છતાના વાસ્તવિક અર્થને સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, “સ્વચ્છતા એ માત્ર બાહ્ય સફાઈ કે પરિસર પૂરતી મર્યાદિત બાબત નથી, પરંતુ જીવનના તમામ ક્ષેત્રોમાં તેનું અદકેરું મૂલ્ય છે. સ્વચ્છતા એ ઉચ્ચ નૈતિક ગુણ છે, જેમાં જાગૃતિ, શ્રેષ્ઠ આદતો અને પ્રામાણિકતા સમાયેલી છે.” વધુમાં તેમણે વિદ્યાર્થીઓને દૈનિક જીવનમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ના અભિયાનમાં સક્રિયપણે જોડાવવા પ્રેરક આહ્વાન કર્યું હતું.
‘ગુજરાતની વિકાસયાત્રા’ વિષય પર વ્યાખ્યાન આપતાં પ્રા. લક્ષ્મીબેન ગાયકવાડે ‘વિકસિત ભારત–૨૦૪૭’ સંદર્ભે જણાવ્યું કે કોઈપણ પ્રદેશ કે દેશની ખરી પ્રગતિ તેના માનવ વિકાસ અને સજાગ નાગરિકો પર નિર્ભર રહેલી છે. તેમણે ગુજરાત રાજ્ય દ્વારા હાસલ કરાયેલી વિવિધ સિદ્ધિઓ અને જનકલ્યાણકારી યોજનાઓની છણાવટ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ૨૦૪૭ના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂરું કરવામાં આજના યુવાવર્ગનું યોગદાન સૌથી પાયારૂપ સાબિત થશે.
આ પ્રસંગે કોલેજના તમામ અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ સ્વચ્છ અને હરિયાળા વાતાવરણના નિર્માણ માટે સામૂહિક ‘સ્વચ્છતા શપથ’ ગ્રહણ કર્યા હતા. સમગ્ર આયોજન અને સંચાલન વિકાસ સપ્તાહના નોડલ ઓફિસર ડૉ. પ્રીતિબેન અને સાથી અધ્યાપકો દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.



