SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણમાં છ દિવસીય ‘ધરોહર લોકમેળાનો ભવ્ય પ્રારંભ: પં પૂજ્ય માધવેન્દ્ર પ્રસાદજીના હસ્તે શુભારંભ

સીસીટીવી, ફાયર સેફ્ટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્ર સજ્જ

તા.03/09/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સીસીટીવી, ફાયર સેફ્ટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્ર સજ્જ, સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા આયોજિત સંસ્કૃતિ, લોકકલા અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન ૬ દિવસીય વઢવાણ ધરોહર લોકમેળોનો ભવ્ય અને ઉત્સાહસભર માહોલમાં પ્રારંભ થયો છે. વઢવાણની ઐતિહાસિક વિરાસત અને લોકપરંપરાને ઉજાગર કરતા આ લોકમેળાનું વિધિવત ઉદ્ઘાટન સ્વામિનારાયણ મંદિરના આચાર્ય પૂજ્ય માધવેન્દ્ર પ્રસાદજી તથા સેવા કુટિરના સંસ્થાપક ભવાનીસિંહજી મોરીના પાવન સાનિધ્યમાં સંપન્ન થયું હતું. છ દિવસ સુધી ચાલનારા આ લોકમેળામાં સમગ્ર ઝાલાવાડ પંથકમાંથી દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો અને નાગરિકો ઉમટી પડે તેવી સંભાવના છે. સ્થાનિક નાના વેપારીઓ અને રોજીરોટી કમાતા ધંધાર્થીઓને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી સુંદર સ્ટોલ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, મેળો માણવા આવતા મુલાકાતીઓ માટે દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરા અને મ્યુઝિકલ નાઇટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મહાનગર પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં આવતા નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે જેમાં સમગ્ર મેળા પરિસરમાં ચોવીસે કલાક સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં ફાયર સેફ્ટીના સાધનો તૈનાત કરાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વાહનોની અવર જવર સરળ રહે તે માટે સુવ્યવસ્થિત પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યો છે. આ શુભારંભ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મહાનગર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન ગજેન્દ્રભાઈ ચૌહાણ આ સિવાય વિવિધ કમિટીના પદાધિકારીઓ, સ્થાનિક કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ હાજર રહીને લોકમેળાનો ઉત્સાહ વધાર્યો હતો.

Back to top button
error: Content is protected !!