SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં “વિરાસત લોકમેળા”નો ભવ્ય પ્રારંભ: નાયબ મુખ્ય દંડક અને પૂજ્ય મુકુન્દરાય સ્વામીના હસ્તે રિબન કાપી શુભારંભ કરાયો

દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરા અને લોકનૃત્યોની રમઝટ બોલશે

તા.03/09/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરા અને લોકનૃત્યોની રમઝટ બોલશે, ઝાલાવાડની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરા પર જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી “વિરાસત લોકમેળા-૨૦૨૬”નો વિધિવત અને ઉત્સાહભેર પ્રારંભ થયો છે. સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે આયોજિત આ લોકમેળાનું ઉદ્ઘાટન નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે તથા દૂધરેજ વડવાળા મંદિરના કોઠારી પૂજ્ય મુકુન્દરાય સ્વામીના પાવન આશીર્વચન સાથે કરવામાં આવ્યું હતું. વઢવાણનું આ મેળાનું મેદાન જૂની પરંપરાઓ અને સંસ્કૃતિ સાથે સમગ્ર ઝાલાવાડ વાસીઓ માટે હર્ષ અને ઉલ્લાસનું કેન્દ્ર બન્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, “મેળો એ આપણી લોકસંસ્કૃતિ, કળા અને પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. તરણેતરના વિશ્વપ્રસિદ્ધ મેળાની સાથે સુરેન્દ્રનગર અને વઢવાણના મેળાઓ પણ સામાજિક મેળાપ અને સંસ્કૃતિના જતનનું અદ્ભુત કામ કરે છે.” મેળાના સામાજિક અને આર્થિક પાસાઓ પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું હતું કે, આવા આયોજનોથી સ્થાનિક નાના વેપારીઓ, ફાસ્ટ ફૂડ ધારકો અને વિવિધ વ્યવસાય કારોને સીધી રોજગારી પ્રાપ્ત થાય છે. તમામ વયજૂથના નાગરિકો પરિવાર સાથે સામૂહિક રીતે આનંદ માણી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્ય દંડકએ સ્ટોલ ધારકો અને ચકડોળ સંચાલકોના આર્થિક હિતોનું રક્ષણ થાય તે માટે તમામ નાગરિકોને ‘પાસ પ્રથા’થી દૂર રહેવા ખાસ વિનંતી કરી હતી. નાના વેપારીઓને પ્રોત્સાહિત કરી મેળો સંપૂર્ણ પારદર્શક રીતે ચાલે તેમાં સહયોગ આપવા તેમણે નગરજનોને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, રાત- દિવસ પ્રજાની સુરક્ષા માટે ખડેપગે ફરજ બજાવતા પોલીસ જવાનોની શાનદાર કામગીરીને પણ તેમણે બિરદાવી હતી. શુભારંભ બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોએ મેળાના મેદાનમાં ઉત્સાહભેર લટાર મારી હતી. તેમણે વિવિધ સ્ટોલ ધારકોની મુલાકાત લઈ તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમના વ્યવસાય માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ તકે પદાધિકારીઓ અને અધિકારીઓએ ઝૂલામાં બેસીને બાળસહજ આનંદ માણી બાળપણની યાદો તાજી કરી હતી. દૂધરેજ વડવાળા મંદિરના કોઠારી પૂજ્ય મુકુન્દરાય સ્વામીએ પણ ઉપસ્થિત સૌ નાગરિકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આશીર્વચન પાઠવ્યા હતા. આ લોકમેળો આગામી ૭ સપ્ટેમ્બર (એકાદશી) સુધી નિરંતર ચાલશે. મેળા દરમિયાન દરરોજ રાત્રે ગુજરાતના નામી અને ગુણી કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પેશ કરવામાં આવશે. જેમાં રાસ- ગરબા અને લોકડાયરો, કચ્છી ફોક અને સુરસમ્રાટ, પઢાર નૃત્ય અને સીદી ધમાલ જેવા પરંપરાગત અને લોકપ્રિય કળા-પ્રકારો રજૂ થશે, જે ઝાલાવાડની લોકસંસ્કૃતિને વધુ સુદ્રઢ બનાવશે. આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા અને મહાનગરપાલિકાના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા, મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, સાંસ્કૃતિક કમિટી ચેરમેન ગજેન્દ્રભાઈ ચૌહાણ, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમ મકવાણા, પારસ મકવાણા આ ઉપરાંત વિવિધ કમિટીના પદાધિકારીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!