

ફૈઝ ખત્રી..શિનોર
વડોદરા જિલ્લાના શિનોર ખાતે રોહિતવાસમાં રહેતા 38 વર્ષીય અનિલ માછીનું સાપના ડંખ બાદ સારવાર દરમિયાન મોત થતાં શિનોર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.
અનિલ માછી ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને સાપ સહિત વિવિધ વન્યજીવોના રેસ્ક્યુની કામગીરી પણ કરતા હતા. તેમણે ફોરેસ્ટ વિભાગ સહિતની વિવિધ સંસ્થાઓ પાસેથી સાપ પકડવા તથા વન્યજીવ રેસ્ક્યુ અંગેના પ્રમાણપત્રો પણ મેળવ્યા હતા.
મળતી માહિતી મુજબ, અનિલ માછી શિનોર ગામમાં પાવભાજી લેવા ગયા હતા. તે દરમિયાન રસ્તા પર કોબ્રા પ્રજાતિનો સાપ જોવા મળ્યો હતો. સાપની આસપાસ બાળકો રમી રહ્યા હોવાથી બાળકોને કોઈ નુકસાન ન થાય તે હેતુથી અનિલભાઈએ સાપને રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સાપે તેમની આંગળી પર ડંખ મારી દીધો હતો.
સાપના ડંખ બાદ મિત્રો દ્વારા તેમને તાત્કાલિક મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
લોકોના જીવ બચાવવા અને વન્યજીવોનું રેસ્ક્યુ કરવા હંમેશાં આગળ રહેતા અનિલ માછીનું અકાળે અવસાન થતાં પરિવારજનો, મિત્રો અને શિનોર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા અનિલ ભાઈ માછી ના પરિવાર ને વન વિભાગ તેમજ સરકાર શ્રી દ્વારા સહાય આપવામાં આવે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે.


