GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રાજપર ગામે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

 

MORBI:મોરબીના રાજપર ગામે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

 

વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ્ । દેવકીપરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્ ॥” મોરબી: ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા પવિત્ર જન્માષ્ટમી પર્વની મોરબીના રાજપર ગામે ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી”ના નાદ સાથે સમગ્ર રાજપર ગામ કૃષ્ણમય બની ગયું હતું.

જન્માષ્ટમીના પાવન પર્વને લઈને રાજપર ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગામના ઘરોથી લઈને મંદિરો સુધી સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. જાણે સમગ્ર રાજપર ગામે ગોકુળ, મથુરા અને દ્વારકાનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેવો ભક્તિમય માહોલ સર્જાયો હતો.

 

જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે રાજપરના જૂના ગામમાં આવેલા રામજી મંદિરેથી કાનુડાની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જે જૂના ગામમાંથી નીકળી નવા ગામના રામજી મંદિર ખાતે પહોંચી હતી. અહીં રાસ-ગરબા અને મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ત્યાર બાદ શ્રી કૃષ્ણ ના ભક્તિગીતો અને જયઘોષ સાથે નીકળેલી આ યાત્રા ફરી જૂના ગામ ખાતે પરત આવી હતી. અહીં પણ પરંપરાગત રાસ-ગરબા તેમજ રામજી મંદિર ખાતે મટકી ફોડ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે રાજપર ગામમાં શ્રદ્ધા, ભક્તિ, આનંદ અને ઉત્સાહનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. કાનુડાની પાલખી, રાસ-ગરબા, મટકી ફોડ અને જયઘોષથી સમગ્ર રાજપર જાણે મિની વૃંદાવન બની ગયું હતું.

 

આ સમગ્ર ઉજવણી દરમિયાન ભક્તિ સાથે ગામની પરંપરા અને સંસ્કૃતિની સુંદર ઝલક જોવા મળી હતી. ખાસ કરીને ગામના યુવાનો દ્વારા જન્માષ્ટમીની ઉજવણીને યાદગાર બનાવવા કરવામાં આવેલી તૈયારીઓ અને આયોજનને ગ્રામજનોએ બિરદાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!