
ડેસર. પરમાર ચિરાગ
500 જરૂરિયાતમંદ પરિવારોને 5-5 કિલો મકાઈનું વિતરણ કરી ગૌરવસિંહ પ્રવિણસિંહ પૂવારે આપ્યો સમાજસેવાનો સંદેશ
ડેસર તાલુકાના વેજપુર સહિતના વિસ્તારોમાં જન્મદિવસની ઉજવણીને સમાજસેવા સાથે જોડતી નોંધપાત્ર પહેલ
જન્મદિવસ એટલે સામાન્ય રીતે ઉજવણી, કેક અને શુભેચ્છાઓનો પ્રસંગ. પરંતુ યુવા ગૌરવસિંહ પ્રવિણસિંહ પૂવારે પોતાના જન્મદિવસને માત્ર વ્યક્તિગત ઉજવણી પૂરતો મર્યાદિત ન રાખી તેને માનવસેવા અને સામાજિક જવાબદારીના પ્રસંગમાં પરિવર્તિત કર્યો હતો.જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોની મદદના ઉદ્દેશ્ય સાથે 500 પરિવારોને 5કિલો મકાઈની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય દ્વારા સમાજમાં એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી બનવાનો અને જરૂરિયાતમંદ લોકોની પડખે ઊભા રહેવાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સેવા અભિયાન અંતર્ગત ઉદલપુર, વછેસર, રાજનગર નગરી, તુલસીગામ, વેજપુર અને વાલાવાવ સહિતના વિસ્તારોમાં કુલ 500 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉદલપુર ગ્રામ પંચાયતના સરપંચ, વછેસર ગ્રામ પંચાયતના સરપંચ, તુલસી ગ્રામ પંચાયતના સરપંચ, ડેસર ગ્રામ પંચાયતના સરપંચ, તેમજ દલપતસિંહ પરમાર, દીપેશ બારોટ સહિતના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ ગૌરવસિંહ પ્રવિણસિંહ પૂવારને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
“જન્મદિવસની સાચી ખુશી ત્યારે જ, જ્યારે કોઈ જરૂરિયાતમંદના ચહેરા પર સ્મિત આવે”
આ પહેલનો મુખ્ય સંદેશ એ રહ્યો કે ઉજવણી સાથે સમાજ પ્રત્યેની જવાબદારી પણ નિભાવવી જોઈએ. જરૂરિયાતમંદ પરિવારો સુધી સહાય પહોંચાડીને માનવતાને પ્રાથમિકતા આપવાનો આ પ્રયાસ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પ્રસંગે આયોજકો દ્વારા સાથે મળીએ અને સમાજ માટે કંઈક કરીએનો સંદેશ આપવામાં આવ્યો હતો. આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં સહકાર, સંવેદના અને પરસ્પર મદદની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.




