સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આયોજિત “વિરાસત લોકમેળા-૨૦૨૬” માં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિ
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મેયર રાકેશકુમાર રાઠોડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં "મોતનો કૂવો" નિહાળી કલાકારોનો ઉત્સાહ વધાર્યો

તા.04/09/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મેયર રાકેશકુમાર રાઠોડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં “મોતનો કૂવો” નિહાળી કલાકારોનો ઉત્સાહ વધાર્યો, ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સુરેન્દ્રનગર ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત “વિરાસત લોકમેળો-૨૦૨૬” ની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, લોકમેળાઓ આપણી સંસ્કૃતિ અને લોકજીવનની ધરોહર છે. આવા આયોજનોથી નાગરિકોને મનોરંજનની સાથે સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળે છે. મેળાના સુવ્યવસ્થિત અને ઉત્સાહવર્ધક આયોજન બદલ મંત્રીશ્રીએ મહાનગરપાલિકા તથા સ્થાનિક વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉપસ્થિત અન્ય મહાનુભાવો સાથે મેળાના પરિસરમાં ભ્રમણ કર્યું હતું. આ દરમિયાન તેમણે મેળામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનેલો “મોતનો કૂવો” પણ પ્રત્યક્ષ નિહાળ્યો હતો અને તેમાં કલાકારો દ્વારા રજૂ કરવામાં આવતા જોખમી અને સાહસિક સ્ટંટ્સની પ્રશંસા કરી કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે આયોજકો તથા સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવો દ્વારા મોમેન્ટો, સાલ, કોટી અને પાઘડી પહેરાવી મંત્રીશ્રીનું ભાવભર્યું બહુમાન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, મેયરશ્રી રાકેશકુમાર રાઠોડ, ડેપ્યુટી મેયર શ્રીમતી સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી નિખિલભાઈ ચાંપાનેરી, સાંસ્કૃતિક સમિતિના ચેરમેનશ્રી ગજાનનભાઈ ચૌહાણ, પૂર્વ સાંસદશ્રી શંકરભાઈ વેગડ, મ્યુનિસિપલ કમિશનરશ્રી જે. કે. જાદવ, સહિતના અનેક મહાનુભાવો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.



