Rajkot: રાજકોટમાં ધો.૯ની વિકસતી જાતિની છાત્રાઓને આપવાની સાયકલોનું હાલ ઈન્સ્પેક્શન ચાલુ

તા.૬/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ક્વોલિટી ચકાસી, હોલોગ્રામ લગાવાયા બાદ એજન્સી તરફથી જથ્થો આવતાં સાયકલ વિતરણ કરાશે
Rajkot: રાજકોટ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિની કચેરી દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતી વિકસતી જાતિની ધોરણ-૯ની પાત્રતા ધરાવતી તમામ વિદ્યાર્થિનીઓને નિયમોનુસાર, શાળા મારફત સાયકલ વિતરણ કરવામાં આવે છે.
કચેરીની યાદીમાં જણાવ્યા મુજબ, સરસ્વતી સાધના યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રાથમિક ઈન્ડેન્ટ મુજબ, ૫૩૦૦ સાયકલોની માગણી કરવામાં આવેલી છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન શાળા દ્વારા મળેલી દરખાસ્ત મુજબ, ૫૧૦૨ સાયકલની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
જૈ પૈકી મોંઘી બા ગર્લ્સ હાઇસ્કૂલ-વિરપુરની વિકસતી જાતિની ૫૬ વિદ્યાર્થિનીઓની દરખાસ્ત મંજૂર કરવામાં આવેલી છે. આ સાયકલોની ગ્રીમકો દ્વારા ચકાસણી કરી, હોલમાર્ક લગાડી, વિકસતી જાતિની કચેરીને સોંપવામાં આવે છે. ત્યારબાદ કચેરી દ્વારા શાળા દ્વારા ધો.-૯ની છાત્રાઓને સાયકલ વિતરણ કરાય છે.
ગ્રીમકો દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ની તૈયાર થયેલા સાયકલ પાર્ટ્સનું પ્રિ-ડિસ્પેચ ઈન્સ્પેક્શન આર. એન્ડ ડી. સેન્ટર – લુધિયાણા દ્વારા કરી રિપોર્ટ બરાબર આવ્યા પછી કંપનીઓ દ્વારા ગુજરાતમાં સપ્લાય શરૂ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩-૨૪ની સાયકલોનું ઈન્સ્પેક્શન ઈલેક્ટ્રોનિક્સ ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર (EQDC) દ્વારા કરાઈ રહ્યું છે. જે સાયકલો પર EQDCનો હોલોગ્રામ હોય તે જ સાયકલો સ્વીકારવામાં આવે છે. EQDC દ્વારા હાલમાં કેટલીક સાયકલો બાબતે નોટ કન્ફર્મનો રિપોર્ટ અપાયો હતો. ઈન્સ્પેક્શન પૂર્ણ થયા પછી EQDC દ્વારા હોલોગ્રામ લગાવવામાં આવશે.
વર્ષ ૨૦૨૩-૨૪ની સાયકલો જે તે એજન્સી દ્વારા કચેરીને ફાળવવામાં આવી નથી. તેમજ વર્ષ ૨૦૨૩-૨૪ની સાયકલોનો કબજો જે તે એજન્સી હસ્તક હોવાથી, બીડમાં રાખેલી શરતો મુજબ, ઈન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ થયા પછી એજન્સી દ્વારા સાયકલોનો કબજો કચેરીને સોંપવામાં આવશે. બાદમાં કચેરી મારફત સાયકલ વિતરણ કરવામાં આવશે. આ સાથે વર્ષ ૨૦૨૪-૨૫ની વિદ્યાર્થિનીઓની સાયકલોની દરખાસ્તો શાળા મારફતે મેળવવાની કાર્યવાહી ચાલુ છે.




