
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
સાબરડેરી ખાતે આંદોલન કેસમાં 41 પશુપાલકોને જામીન મંજુર, 6 ની સુનાવણી આવતીકાલે
સાબરડેરીના દૂધના વાર્ષિક ભાવફેરના વિરોધમાં થયા હિંસક પ્રદર્શન મામલે આજે મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. હિંમતનગર સેશન કોર્ટે આ કેસમાં ધરપકડ કરાયેલા 47માંથી 41 પશુપાલકોને જામીન મંજુર કર્યા છે, જ્યારે બાકીના 6 આરોપીઓ અંગે આવતીકાલે સુનાવણી હાથ ધરાશે.

ગત 14 જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબરડેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ મામલે હિંમતનગરના ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 74 નામજોગ સહિત લગભગ 900 થી 1000 લોકોએ સંડોવાયેલા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી 47 આરોપીઓને પોલીસે ધરપકડ કરી હતી.
આજની સુનાવણીમાં કોર્ટે 41 પશુપાલકોને રૂ. 15,000ના મુચલકા પર જામીન મંજૂર કર્યા છે. વકીલ અરવિંદભાઈ પટેલ દ્વારા જણાવાયું કે, જામીન શરતોમાં ફરિયાદી પક્ષને ધમકી નહીં આપવી, પાસપોર્ટ જમા કરાવવો, રાજ્ય બહાર જવા માટે કોર્ટની મંજૂરી લેવી, તેમજ સરનામું બદલવા માટે કોર્ટને જાણ કરવી સહિતના નિયમોનો સમાવેશ થાય છે. તેમજ આરોપીઓ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાશે નહીં તે અંગે પણ શરત મૂકવામાં આવી છે.હવે તમામની નજર આવતીકાલે બાકી રહેલા 6 આરોપીઓની સુનાવણી પર ટકેલી છે.





