
*દેડીયાપાડાના ડુમખલ ગામે ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઈ*

તાહિર મેમણ – ડેડીયાપાડા -03/09/2026 – નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં ડુમખલ ગામે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત કિસાન ગોષ્ઠી યોજાઈ હતી. ગોષ્ઠીમાં ડુમખલ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કિસાન ગોષ્ઠી દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા તેમજ કઠોળ પાકોના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. ખેતીમાં પાણીનો કરકસરપૂર્વક અને કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે પરંપરાગત સિંચાઈ પદ્ધતિની સાથે ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, આધુનિક ખેતીમાં ખાતરના કાર્યક્ષમ અને સચોટ ઉપયોગ અંગે નેનો યુરિયા અને નેનો ડીએપીના ઉપયોગ તથા તેના ફાયદાઓ વિશે પણ ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.
ગોષ્ઠીમાં ઉપસ્થિત કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને ખેતી સાથે બાગાયત અને પશુપાલન ક્ષેત્રે આવકના સ્ત્રોતો વધારવા તથા આર્થિક રીતે સક્ષમ બનવા માટે ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગ દ્વારા અમલમાં મૂકાતી વિવિધ સરકારી સહાયલક્ષી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
વર્તમાન સમયમાં ટકાઉ અને પર્યાવરણલક્ષી ખેતીની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ, તેના ફાયદાઓ તથા અપનાવવાની પદ્ધતિઓ અંગે પણ ખેડૂતોને ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.


