વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
શિક્ષણ,પોક્સો, પોષણ, બાળ લગ્ન, ડ્રોપ આઉટ સહિતના મુદે સક્રીયપણે કામગીરી કરવા સાથે કાયદાના ભય સાથે લોકમાનસિકતા બદલાવવાની દિશામાં કામગીરી કરવા આયોગ સચિવની સૂચના
ભુજ,તા-28 માર્ચ : ભુજ ક્લેકટર કચેરી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષાશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં અધ્યક્ષાશ્રીએ કચ્છ વહીવટીતંત્ર દ્વારા બાળ અધિકારોના રક્ષણ, શિક્ષણ, પોષણ, બાળ સંરક્ષણ ગૃહો, આરોગ્ય, પુન:વર્સન, વિવિધ એક્ટની પરીણામલક્ષી કામગીરી તથા વિવિધ યોજનાના અસરકારક અમલીકરણ સહિતના મુદે્ કરાયેલી કામગીરીની સમીક્ષા કરીને ભવિષ્યમાં વધુ સારા હકારાત્મક પરીણામ લાવવા પર ભાર મુકીને માર્ગદશર્ન સાથે જરૂરી સૂચનો આપ્યા હતા.બેઠકમાં અધ્યક્ષાશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે બાળ સંરક્ષણ ગૃહોમાં બાળકોની સંખ્યા, વ્યવસ્થાપન તેમના શિક્ષણ તથા સુરક્ષાને લઇને વિગતો મેળવી સંરક્ષણ ગૃહોની સુરક્ષા વધુ મજબૂત કરવા ખાસ સૂચન કર્યું હતું. આ સાથે તેમણે કચ્છમાં બાળકોના પુન:વર્સનની કામગીરીની સરાહના કરી હતી. આ સાથે ચાઇલ્ડ વેલફેર કમિટીની કામગીરી, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તથા સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ અંતર્ગત પોક્સો, બાળ લગ્ન, બાળ મજુરી, ભિક્ષાવૃતિ, બાળ તસ્કરી સહિતના કેસ નિકાલની સ્થિતિ અંગે જાણકારી મેળવી ખાસ કરીને બાળકોમાં ગુનાખોરી, બાળ લગ્ન ન થાય તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજવા સૂચના આપી હતી. કચ્છમાં બાળ મજૂરી અંગે વિગતો મેળવીને તેની રોકથામ માટે રેસ્ટોરેન્ટ, હોટલ સહિતના સ્થળે ચાઇલ્ડ લેબર એક્ટના બેનર મુકવા તથા લેબર ઓફીસ દ્વારા નિયમિત આકસ્મિક મુલાકાત કરવા સાથે કચ્છને ચાઇલ્ડ લેબર મુકત જિલ્લો બનાવવાના સંકલ્પ સાથે કામગીરી કરવા પર ભાર મુક્યો હતો. કચ્છમાં બાળલગ્નોની વર્તમાન સ્થિતીની જાણકારી મેળવીને આયોગ અધ્યક્ષાશ્રીએ ભારપૂર્વક જે તે સમુદાયમાં આ અંગે જાગૃતિ ફેલાવવા, જવાબદારો સામે કડકરાહે કાયદાકીય પગલા ભરવા, જે તાલુકામાં જે વિસ્તારોમાં વધુ બાળલગ્ન થતા હોય તે સમુદાય કે ગામમાં જઇને ગામ-સમાજના હોદે્દારો, સરપંચ,પોલીસને સાથે રાખીને જાગૃતિ કાર્યક્રમ કરવા સહિતના મુદે માર્ગદર્શન સાથે જરૂરી સૂચનો આપ્યા હતા. ઉપરાંત જિલ્લામાં સેકસ રેશિયો વધારવા સર્વેલન્સ વધારીને જવાબદારો સામે કડક કાયદાકીય કામગીરી કરવાની સૂચના સાથે કચ્છમાં સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ, ન્યુબોર્ન સ્ટેબીલાઇઝેશન યુનિટ, બાળકોના વોર્ડ, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, સિવિયરએક્યુટ માલન્યુટ્રીશન, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વગેરેની સમીક્ષા સાથે બાળકોના આરોગ્ય અંગે હોસ્પિટલમાં ખૂટતી કડીઓ અંગે આરોગ્ય વિભાગ પાસેથી વિગતો મેળવી હતી. જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો તેના મકાનની સ્થિતિ, બાળકોને અપાતા પૌષ્ટિક આહારની વિગતો, કચ્છમાં શાળાઓની ઇમારતો તથા શિક્ષકોની સ્થિતિ, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ બાળકોના પ્રવેશની કામગીરી સહિતની વિગત મેળવીને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માઇક્રો પ્લાનીંગ કરી બાળકનું વ્યકિતગત મોનીટરીંગ કરીને અસરકારક પગલા ભરવા શિક્ષણ વિભાગને ખાસ સૂચના આપતી હતી.મધ્યાહન ભોજન યોજનાની વિગતો મેળવીને એકપણ બાળક ભોજન લીધા વિના ઘરે ન પહોંચે તે માટે ખાસ મોનીટરીંગ વ્યવસ્થા ઉભી કરવા તથા વાલીઓ સાથે બેઠક યોજીને સમગ્ર યોજનાનો હેતુ સાર્થક થાય તે રીતની કામગીરી કરવા જણાવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત બાળ અધિકાર સંરક્ષણ આયોગના સચિવશ્રી ડી. ડી. કાપડીયાએ પોષણ સાથે શાળાઓમાં સમરસતા જળવાઇ રહે તેવું વાતાવરણ ઉભું કરવા પર ભાર મુક્યો હતો.આ સાથે અનુસૂચિત જાતિ કલ્યાણ, સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ તથા આદિજાતિ વિકાસ અધિકારીની કચેરી હસ્તકના છાત્રાલય, આશ્રમશાળાઓ તથા સમાજસુરક્ષા ખાતા હસ્તકની સરકાર તથા સ્વૈચ્છિક સંસ્થાઓ, બાળ સંભાળ ગૃહોની સ્થિતિ તેની કામગીરી, સુવિધા અંગેની સમીક્ષા કરી હતી. આ સાથે જિલ્લા બાળક સુરક્ષા એકમ હેઠળની વિવિધ યોજનાકીય કામગીરીના બાળ લાભાર્થીઓને ખરા અર્થમાં લાભ મળે છે કે નહીં તેની નિયમિત મુલાકાત લઇને સમીક્ષા કરવા અધ્યક્ષાશ્રીએ ખાસ સૂચના આપી હતી. બેઠકમાં આયોગના અધ્યક્ષાશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે બાળકોને કેન્દ્રમાં રાખીને કચ્છના વહીવટીતંત્રને સંવેદનશીલતા સાથે એક ટીમ બનીને કામગીરી કરવા તથા કોઇપણ ક્ષેત્રે બાંધછોડ ચલાવી ન લઇને બાળઅધિકારના રક્ષણ માટે પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સૂચના આપી હતી.આયોગના સચિવશ્રી ડી. ડી. કાપડીયાએ વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરીને કચ્છમાં બાળકોના સર્વાંગી વિકાસમાં અડચણરૂપ શિક્ષણ, ડ્રોપ આઉટ રેશિયો, બાળ લગ્ન વગેરે મુદાઓને દુર કરવા કાયદાના ભય સાથે લોક માનસિકતા બદલાવની દિશામાં કામગીરી કરવા ખાસ જણાવ્યું હતું. આ સાથે કલેકટરની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને નિયમિત કામગીરીનું ક્રોસ વેરીફીકેશન કરવા સૂચના આપી હતી.આજની બેઠકમાં કલેકટરશ્રી આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ એસ.પી શ્રી વિકાસ સૂંડા, પૂર્વ કચ્છ એસ.પી શ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેકટરશ્રી દિપેશ ચૌહાણ, ડીઆરડીએના ડાયરેકટરશ્રી નિકુંજ પરીખ તથા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.