વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ,તા-08 મે : કચ્છના પ્રભારી સચિવ અને આરોગ્ય કમિશનરશ્રી હર્ષદ પટેલની અધ્યક્ષતામાં જિલ્લામાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટ, જળ વિતરણ વ્યવસ્થા અને જિલ્લાના મહત્વના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત આ બેઠકમાં પાણી પુરવઠા, પી.જી.વી.સી.એલ, આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ વગેરે કચેરીઓના અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝેન્ટેશનના માધ્યમથી કાર્યરત મહત્વના પ્રોજેક્ટસની જાણકારી આપવામાં આવી હતી. પ્રભારી સચિવશ્રીએ નાગરિકોને ઝડપથી જનસુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી સમયમર્યાદામાં જ તમામ પ્રકલ્પો અને પ્રોજેક્ટને પૂર્ણ કરવા સૂચના આપીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ એ તમામ અધિકારીશ્રીઓ પાસેથી વિસ્તૃત વિગતો મેળવીને પ્રભારી સચિવશ્રીને કચ્છ જિલ્લાના મહત્વના પ્રોજેક્ટ અને તેની પ્રગતિ વિશે અવગત કરાવ્યા હતા.આ બેઠકમાં નર્મદા આધારિત પાણીનું વિતરણ અને સમગ્ર જિલ્લાની પાણીની માંગ, કચ્છની પાણીના વિતરણ માટે હ્યાત માળખાકીય સુવિધાઓ અને હાલમાં ચાલી રહેલા પાઈપલાઈન પ્રોજેક્ટ્સ, દૂધઈ સબ બ્રાંચ કેનાલનું કામ, સારણ જળાશય, બોર આધારિત પાણી વિતરણ વ્યવસ્થાની સંલગ્ન રિચાર્જિંગ સ્ટ્રક્ચરનું નિર્માણ વગેરે બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગાંધીધામ મહાનગરપાલિકા સહિત તમામ નગરપાલિકાના પાણી વિતરણના માળખા અને નવા પ્રોજેક્ટની માહિતી પ્રભારી સચિવશ્રીએ મેળવી હતી. જિલ્લામાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નિર્માણની પ્રગતિનો અહેવાલ પ્રભારી સચિવશ્રીએ સંબંધિત અધિકારીશ્રી પાસેથી મેળવીને જરૂરી સૂચનો આપ્યા હતા.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, અધિક નિવાસી કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, મુખ્ય જિલ્લા તબીબ અધિકારીશ્રી ડૉ. મિતેષ ભંડેરી, જિલ્લા પુરવઠા અધિકારીક્ષી અર્શી હાશ્મી, પાણી પુરવઠા વિભાગ, સિંચાઈ વર્તુળ અને નેશનલ હાઈવેના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.