ANANDANAND CITY / TALUKOGUJARAT

પેટલાદમાં રૂ. 1.12 કરોડના ખર્ચે અધ્યતન પશુ દવાખાનું બનશે: 

પેટલાદમાં રૂ. 1.12 કરોડના ખર્ચે અધ્યતન પશુ દવાખાનું બનશે:

તાહિર મેમણ – આંનદ -:22/08/2026 – રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુધનની આરોગ્ય સુખાકારી અને પશુપાલકોના હિતને ધ્યાને રાખીને આણંદ જિલ્લાના પેટલાદ ખાતે રૂ. 1.12 કરોડના ખર્ચે નવા અધ્યતન પશુ દવાખાનાના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

 

​આ પ્રસંગે નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પેટલાદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોને હવે ઘરઆંગણે જ પોતાના પશુઓ માટે શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર તબીબી સારવાર મળી રહેશે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર પશુપાલકોની સમૃદ્ધિ અને પશુઓના સ્વાસ્થ્ય પ્રત્યે પૂર્ણપણે સંવેદનશીલ છે અને આ નવું દવાખાનું પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

 

​મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર પશુપાલકોના કલ્યાણ માટે સતત કાર્યરત છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પશુઓને નજીકના સ્થળે જ તમામ આધુનિક આરોગ્ય સવલતો અને સારવાર સુવિધા સહેલાઈથી ઉપલબ્ધ થાય તે માટે નવા પશુ દવાખાના બનાવવામાં આવી રહ્યા છે.

 

​આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ કોકીલાબેન તળપદા, ઉપપ્રમુખ મનીષભાઈ શાહ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયભાઈ પટેલ, અગ્રણી શ્રી વિજયભાઈ ચાવડા, અલ્પેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઈ પટેલ ઉપરાંત આણંદ જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ. ધારા પંચાલ, નાયબ પશુપાલન નિયામક (ICDP) ડૉ. મેહુલ પટેલ, મદદનીશ પશુપાલન નિયામક ડૉ. જીગ્નેશ પટેલ, પશુ ચિકિત્સા અધિકારી ડૉ. ડી. જી. પટેલ સહિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક નગરજનો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!