ARAVALLIGUJARATMODASA

અરવલ્લીમાં પ્રોહિબિશન સામે પોલીસનો સપાટો, 4,278 ગુન્હામાં ₹ 28.09 કરોડનો મુદ્દામાલ જપ્ત,4,457 બુટલેગરો ઝડપાયા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં પ્રોહિબિશન સામે પોલીસનો સપાટો, 4,278 ગુન્હામાં ₹ 28.09 કરોડનો મુદ્દામાલ જપ્ત,4,457 બુટલેગરો ઝડપાયા

4,457 બુટલેગરો ઝડપાયા, રાજસ્થાન બોર્ડર સહિત જિલ્લામાં પોલીસનું સઘન પેટ્રોલિંગ

અરવલ્લી : અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સખ્ત સૂચનાને પગલે જિલ્લામાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ કરતા બુટલેગરો સામે પોલીસ તંત્ર દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી 21 ઓગસ્ટ સુધીમાં પ્રોહિબિશનના કુલ 4,278 ગુન્હા નોંધવામાં આવ્યા છે, જેમાં 4,457 બુટલેગરોને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે દારૂ સહિત કુલ ₹ 28.09 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું સામે આવ્યું છે.

ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ અરવલ્લી પોલીસ વધુ સતર્ક બની છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જ જિલ્લામાં દેશી-વિદેશી દારૂને લગતા 170 પ્રોહિબિશનના ગુન્હા નોંધાયા છે. આ કાર્યવાહીમાં ₹ 2.87 લાખનો પ્રોહિબિશન મુદ્દામાલ કબ્જે કરી 38 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.અરવલ્લી જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાથી રાજસ્થાન, પંજાબ અને હરિયાણા સહિત અન્ય રાજ્યોમાંથી નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની શક્યતા રહે છે. જેને અટકાવવા જિલ્લા પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ, સઘન વાહન ચેકિંગ અને બાતમીદારોને સક્રિય કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસની કામગીરીને કારણે બુટલેગરોના દારૂ ઘુસાડવાના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ દરોડા અને વાહન ચેકિંગ હાથ ધરી દેશી-વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે.

ચાલુ ઓગસ્ટ મહિનામાં પણ પોલીસની કામગીરી યથાવત રહી છે. અત્યાર સુધીમાં 6 ગણનાપાત્ર પ્રોહિબિશન કેસ સહિત કુલ 430 ગુન્હામાં ₹ 1.44 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 407 બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અરવલ્લી પોલીસ દ્વારા પ્રોહિબિશન સામેની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવતા દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં પણ સરહદી વિસ્તારો સહિત સમગ્ર જિલ્લામાં દારૂની હેરાફેરી અને વેચાણ સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

Back to top button
error: Content is protected !!