
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ કાર્યકર્તાઓના ઘડતર અને પ્રશિક્ષણના હેતુથી સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભાજપ ગુજરાત પ્રદેશ દ્વારા ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન’ અંતર્ગત ડાંગ જિલ્લા ભાજપની ત્રિદિવસીય જિલ્લા કક્ષાની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિતનાં નેતૃત્વમાં યોજાયેલી આ પ્રશિક્ષણ શિબિરમાં જિલ્લાના આશરે ૫૫ જેટલા સિનિયર કાર્યકર્તાઓ ઉપરાંત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ જિલ્લા પ્રમુખો તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ કક્ષાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિર દરમિયાન સતત ત્રણ દિવસ સુધી વિવિધ ૧૧ જેટલા મહત્વપૂર્ણ વિષયો પર તજજ્ઞ અને પ્રદેશ કક્ષાએ નિયુક્ત કરવામાં આવેલા વક્તાઓ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વર્તમાન સમયના મહત્વપૂર્ણ મુદ્દાઓ, સંગઠનાત્મક કામગીરી અને કાર્યકર્તાઓની જવાબદારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે.પ્રશિક્ષણ દરમિયાન કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ગરીબો તથા જરૂરિયાતમંદો માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેની કામગીરી, કાર્યકર્તાઓનું ઘડતર તેમજ ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે કાર્ય કરવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે પ્રદેશ સંગઠન તરફથી રત્નાકરજી, ડૉ. પ્રશાંત કોરાટ, સાંસદ ધવલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સાપુતારા ખાતે યોજાયેલી આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ કાર્યકર્તાઓમાં સંગઠન પ્રત્યેની જવાબદારી, કાર્યક્ષમતા અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો છે.





