નવસારીની યશ કલગીમાં નવીનતમ મોરપીંછનો ઉમેરો ;-જીવામૃત ઉત્પાદનના મીની યુનીટ સ્થાપી ખેડૂતોને વેચાણ કરી બહેનો આત્મનિર્ભર બની..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
*સખીમંડળની બહેનો દ્વારા વ્યાપારીક ધોરણે જીવામૃત ઉત્પાદન કરી જિલ્લાના ખેડૂતોને વિતરણ કરવામાં ફરી એકવાર નવસારી જિલ્લો રાજ્યમાં પ્રથમ*
નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીની એક આગવી પહેલ દ્વારા સામૂહીક ધોરણે જીવામૃત ઉત્પાદન યુનીટ સ્થાપી ખેડૂતોને નહી નફો નહી નૂકશાનાના ધોરણે જીવામૃત વિતરણ કરતો રાજયનો સૌ પ્રથમ જિલ્લો અગાઉ બની જ ચૂકયો છે. આ પ્રોજેક્ટ થકી જિલ્લાના ખેડૂતોમાં એક આગવો આત્મ વિશ્વાસ વિકસી રહ્યા છે અને ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતીક કૃષિ અપનાવી રહ્યા છે. આ પ્રોજેક્ટની સફળતા બાદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો.એ.આર. ગજેરા દ્વારા ફરી એક્વાર નવીનતમ અભિગમ અપનાવી જિલ્લાની સખીમંડળ બહેનો દ્વારા જીવામૃત ઉત્પાદનના મીની યુનીટ સ્થાપી ખેડૂતોને વેચાણ કરી બહેનોને સ્વનિર્ભર બનાવવા અને મહિલા સશક્તિકરણનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. સખીમંડળની બહેનો દ્વારા વ્યાપારીક ધોરણે જીવામૃત ઉત્પાદન કરી જિલ્લાના ખેડૂતોને વિતરણ કરવા માટે ફરી એકવાર નવસારી જિલ્લો રાજ્યમાં પ્રથમ રહ્યો છે.
આ માટે દેશી/ ગીર ગાય ધરાવતા જિલ્લાના કુલ આઠ સખી મંડળોને પ્રાથમીક તબક્કે પસંદગી કરીને જીવામૃત બનાવવા અંગેની વિગતવાર તાલીમ આપવામાં આવી હતી. અને આ મંડળો દ્વારા પોતાની ગાયના ગોબર તથા ગોમૂત્રના વપરાશ થકી જીવામૃત તૈયાર કરવા માટે ૨૦૦ લિટરના ડ્રમ, ડોલ, તગારા, એરેશન યુનિટ વગેરે જેવી મીની જીવામૃત યુનીટની પાયાની સાધન સામગ્રીનુ પણ વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતું. આ યુનીટ્ની સ્થાપના દ્વારા સખી મંડળોની બહેનો જીવામૃત ઉત્પાદીત કરી નજીકના ખેડૂતોને તેમજ તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં પ્રાથમિક આયામની ભરપાય કરવામાં મદદગાર બન્યા છે.