રતન તળાવમાં મૃત જીવજંતુઓનો મામલો:સ્થાનિકોની રજૂઆત બાદ પાલિકા એક્શનમાં, 9 કરોડની ગ્રાન્ટથી થશે સૌંદર્યીકરણ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક રતન તળાવમાં મૃત કાચબા અને માછલીઓ મળી આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ મામલો ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સુધી પહોંચ્યો હતો. તેમણે તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી.
નગરપાલિકા ચીફ ઓફિસર સાથે બેઠક યોજી તળાવના નવીનીકરણ અને સફાઈની કામગીરી માટે સૂચના આપવામાં આવી છે. પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે જણાવ્યું કે મૃત જીવજંતુઓને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ફાયર વિભાગ અને સેનેટરી વિભાગની ટીમો દ્વારા તળાવની સફાઈ કરવામાં આવી રહી છે.
તળાવના સૌંદર્યીકરણ અને આધુનિકીકરણ માટે 9 કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. પાલિકા પ્રમુખે જણાવ્યું કે તાજેતરમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સાથે પણ તળાવના વિકાસ અંગે ચર્ચા થઈ હતી.
સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે તળાવ માટે સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. છતાં તળાવની સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી. હવે નવી ગ્રાન્ટની જાહેરાત થઈ છે ત્યારે લોકોમાં આશંકા છે કે આ વખતે તળાવનું સ્વરૂપ બદલાશે કે કેમ.



