વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૦૬: ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના માર્ગદર્શનથી તા.૨૯ મે થી ૧૨ જુન દરમિયાન સમગ્ર ભારત દેશમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજરોજ મિયાઝરી ગામમાં ખેડૂતોને અદ્યતન તાંત્રિકતાઓ મળી રહે એ માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.ઝેડ.પી.પટેલના માર્ગદર્શન અને સુચનોને ધ્યાને લઈને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.સુમિત સાળુંખે દ્વારા ડ્રોન ટેકનોલોજી વિશે અને બાગાયત વૈજ્ઞાનિક ડો.દિક્ષિતા પ્રજાપતિ દ્વારા આંબામાં નવીનીકરણ તેમજ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી જાત ‘સોનપરી અને નવપરી’ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગો જેવા કે ખેતીવાડી, બાગાયત, પશુપાલન, ઈફકો વગેરે સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહીને ખેડૂતોને સરકારની વિવિધ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી.