નરોડા પોલીસની બેદરકારી સામે પ્રશ્નો, ૧૭ દિવસ બાદ હરકતમાં આવી પોલીસ, એક દીકરી મળી તો બીજી દીકરી હજુ ગુમ.

રિપોર્ટર : પ્રસેનજીત બૌધ્ધ
નરોડા, અમદાવાદ
૨૬ એપ્રિલના રોજ ઠાકોર સમાજ અને આદિવાસી સમાજની બે નાબાલિક દીકરીઓ ગુમ થયાની ઘટના સામે આવી હતી. ઘટનાને લઈને પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, ૧૭ દિવસથી વધુ સમય વીતી ગયો છતાં નરોડા, અમદાવાદ પોલીસ દ્વારા શરૂઆતમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી નહોતી. પછી જનતા સેના આ સમગ્ર મામલામાં સક્રિય બનતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પરમદિવસે(એટલે કે તારીખ 13/05/2026 ના રોજ) આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાથે જ નરોડા ખાતે જનતા સેના દ્વારા ધરણા કાર્યક્રમની જાહેરાત બાદ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી ઠાકોર સમાજની નાબાલિક દીકરીને શોધી કાઢી પરિવારને સોંપી હતી. તેમ છતાં, આદિવાસી સમાજની નાબાલિક દીકરીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પરિવારજનોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનો દ્વારા દીકરીને વહેલી તકે શોધી કાઢવા અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
નરોડા પોલીસની કામગીરી અને બેદરકારી સામે પ્રશ્નો ઉઠાવતા જનતા સેનાના આગેવાનો દ્વારા પોલીસ તંત્રના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.તેમજ વધુમાં આગેવાનોનો આક્ષેપ હતો કે નરોડા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ(વેશ્યાવૃતિ) ચાલી રહી છે, જેને તાત્કાલિક બંધ કરાવવા માંગ કરવામાં આવી હતી.
આ દરમિયાન જનતા સેનાના કાર્યકરો દ્વારા “નરોડા પોલીસ PI શરમ કરો” જેવા નારા લગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જનતા સેનાના પ્રમુખ કલ્પેશભાઈ પરમાર, જયેશભાઈ પરમાર, દેવલબેન તેમજ એમની આખી ટીમ સામાજિક જાગૃતિ માટે અનેક કાર્યક્રમો આપતા રહ્યા છે અને સાથે સાથે જ્યાં પણ ગરીબ લોકો તેમજ બધા સમાજના લોકો માટે પછી તે કોઈ પણ જાતીના હોય એમને ન્યાય મળે ત્યાં સુધી સતત સક્રિય રહીને અવાજ ઉઠાવે છે.







