શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬નો અમદાવાદમાં પ્રેરક પ્રારંભ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાજ્યભરમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬નો પ્રારંભ ઉત્સાહભેર થયો છે. આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરની હાંસોલ પ્રાથમિક શાળા નં. ૧ અને ૨ ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસની પ્રોત્સાહક ઉપસ્થિતિ વચ્ચે શિક્ષણના મહાયજ્ઞને ઉર્જાવાન શરૂઆત મળી હતી. કાર્યક્રમ દરમિયાન બાલવાટિકા, ધોરણ-૧ અને આંગણવાડીમાં કુલ ૧૦૫ બાળકોને પ્રવેશ અપાયો હતો, જ્યારે અગાઉ શાળા છોડી ચૂકેલા ૨૩ બાળકોને પુનઃ શિક્ષણ પ્રવાહમાં જોડવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન હાંસોલ પ્રાથમિક શાળાની બાલવાટિકામાં ૫૪ બાળકોને, ધોરણ-૧માં ૯ બાળકોને અને આંગણવાડીમાં ૪૨ નાનાં ભૂલકાંઓને વિધિવત પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે શાળામાં નવપ્રવેશી બાળકોનું સ્વાગત ફૂલ, તિલક અને તાળીઓના ગડગડાટ વચ્ચે કરવામાં આવ્યું હતું, જેના કારણે શાળા પરિસરમાં ઉત્સવમય માહોલ સર્જાયો હતો. રંગોળી, બેનરો, બાળમિત્ર સજાવટ અને પ્રેરણાત્મક સૂત્રોથી સજ્જ શાળાએ શિક્ષણને ઉજવણીનું સ્વરૂપ આપ્યું હતું.
મુખ્ય સચિવ એમ.કે. દાસે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે શાળામાં પ્રથમ પગલું મૂકતા બાળકો જ વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતના સશક્ત નાગરિક બનવાના છે. તેથી તેઓ માત્ર શિક્ષિત જ નહીં, પરંતુ ચરિત્રવાન, સંવેદનશીલ, શિસ્તબદ્ધ અને કૌશલ્યવાન બને તે સમયની જરૂરિયાત છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે દેશનો સાચો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે સમાજનો દરેક બાળક શિક્ષિત, સ્વસ્થ અને સશક્ત બને.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત પાસે જ્ઞાન, સંસ્કૃતિ અને સમૃદ્ધિની વૈભવી પરંપરા છે. સમયાંતરે પડકારો આવ્યા હોવા છતાં દેશ ફરી નવી શક્તિ સાથે ઊભો થયો છે અને આજે વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા સતત વધી રહી છે. આવા સમયમાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ, મૂલ્ય આધારિત જીવનદૃષ્ટિ અને આધુનિક કૌશલ્ય સાથે સજ્જ કરવું અત્યંત આવશ્યક છે. તેમણે બાળકોને મહેનત, પ્રામાણિકતા, શિસ્ત અને નિષ્ઠા જેવા જીવનમૂલ્યો અપનાવી પોતાના તથા દેશના ભવિષ્યના ઘડતરમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માત્ર એક શાસકીય કાર્યક્રમ નથી, પરંતુ સમાજમાં શિક્ષણ પ્રત્યે વિશ્વાસ અને જાગૃતિ વધારતું લોકઅભિયાન છે. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં શાળા છોડનારાં આશરે ૫૧ હજાર બાળકોમાંથી ૯૪ ટકા બાળકોને ફરીથી શાળામાં લાવવામાં સફળતા મળી છે, જે સમગ્ર શહેર માટે ગૌરવની બાબત છે. તેમણે ઉમેર્યું કે બાળક ક્લાસમાં પ્રથમ આવે તે જ મહત્વનું નથી, પરંતુ તે નિયમિત રીતે શાળામાં હાજર રહે અને અભ્યાસ સાથે જોડાયેલો રહે તે વધુ મહત્વપૂર્ણ છે.
તેમણે વાલીઓને અનુરોધ કર્યો હતો કે બાળકોના ભવિષ્યની મજબૂત પાયાની રચના માટે તેમને નિયમિત શાળાએ મોકલવું, અભ્યાસમાં પ્રોત્સાહિત કરવું અને શાળા સાથે સતત સંપર્કમાં રહેવું અત્યંત જરૂરી છે. તેમણે જણાવ્યું કે શિક્ષણ એ માત્ર નોકરી મેળવવાનો માર્ગ નથી, પરંતુ જીવન ઘડતરની શક્તિ છે, જે બાળકના વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ અને સામાજિક જવાબદારીનું નિર્માણ કરે છે.
આ પ્રસંગે મુખ્ય સચિવએ શાળા પરિસરની મુલાકાત લઈને વર્ગખંડો, બાલવાટિકા, શૈક્ષણિક સુવિધાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ માળખાકીય વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો સાથે બેઠક યોજી શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર બાળકો ફરીથી શિક્ષણથી વંચિત ન રહી જાય તેની વિશેષ કાળજી રાખવા અનુરોધ કર્યો હતો. બાળકોની નિયમિત હાજરી, વાલીઓ સાથે સંવાદ અને શાળા-સમાજના સંકલન દ્વારા ડ્રોપઆઉટ દર ઘટાડવા માટે સક્રિય દેખરેખ રાખવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ, સૌથી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓ, જ્ઞાનસેતુ જેવી પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તેમજ શાળાના વિકાસમાં સહયોગ આપનારા દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહે વિદ્યાર્થીઓમાં નવી પ્રેરણા અને શૈક્ષણિક ઉત્સાહનો સંચાર કર્યો હતો.
શાળા પ્રવેશોત્સવને વધુ યાદગાર બનાવવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી હરિયાળું, સ્વચ્છ અને સંવેદનશીલ શૈક્ષણિક વાતાવરણ સર્જવાનો સંદેશ આપ્યો હતો. આ સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ સલામતી, સ્વચ્છતા, નિયમિત અભ્યાસ અને રાષ્ટ્રનિર્માણ જેવા વિષયો પર લઘુ વક્તવ્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ આત્મવિશ્વાસપૂર્વક કર્યું હતું, જે સમગ્ર સમારોહનું વિશેષ આકર્ષણ બન્યું હતું. બાળકોના નિર્દોષ અભિવ્યક્તિ, સ્વાગતગીત, પ્રાર્થના અને સંકલ્પવિધિએ પ્રસંગને ભાવસભર બનાવ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા શાળાને પાઠવાયેલા સંદેશનું પણ પઠન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણના વ્યાપ, બાળવિકાસ અને કન્યા શિક્ષણના મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માત્ર નવા પ્રવેશનો કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણથી વંચિત દરેક બાળક સુધી પહોંચવાનો, દીકરીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં મજબૂત સ્થાન અપાવવાનો અને શાળા છોડનાર બાળકોને ફરીથી આશા અને અવસર સાથે જોડવાનો સામૂહિક સંકલ્પ છે. અમદાવાદમાં યોજાયેલ આ કાર્યક્રમ એ દિશામાં એક પ્રેરક અને અસરકારક પગલું સાબિત થયો છે.
આ પ્રસંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામા, શાસનાધિકારી એલ.ડી. દેસાઈ, નાયબ શાસનાધિકારી ડૉ. પરિમલ પટેલ, સ્થાનિક કોર્પોરેટર કમલેશ પટેલ, હાંસોલ પ્રાથમિક શાળા નં. ૧ અને ૨ના આચાર્યો, એસએમસીના સભ્યો, વાલીગણ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.







