42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ 118 કરોડ રૂપિયા પહોંચી ગયો
અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઇને ફરી એક વખત વિવાદ ઉભો થયો છે. હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ 118 કરોડ રૂપિયા પહોંચી ગયો છે. અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે હાટકેશ્વર બ્રિજને લઇને ફરી એક વખત સવાલ ઉઠાવ્યા છે. શહેજાદ ખાન પઠાણે કહ્યું કે, બે મહિના પહેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ 55 કરોડ હતો જ્યારે હવે બે મહિના પછી જ તેનો ખર્ચ વધીને ટોટલ 118 કરોડ થઇ ગયો છે.
શહેજાદ ખાન પઠાણે સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘ભાજપના રાજમાં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો તે હાટકેશ્વર બ્રિજમાં થયો છે. 2017માં 42 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજમાં ભ્રષ્ચાચાર થતા 2022માં પાંચ વર્ષ પછી જ જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો. હાટકેશ્વર બ્રિજનો બે વર્ષ પછી પણ કોઇ નિકાલ આવ્યો નથી.2 મહિના પહેલા ભાજપના હોદ્દેદારોએ મોટા મોટા દાવા કર્યા હતા કે હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળ 52 કરોડનો ખર્ચ થશે અને આ તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે.’ AMCમાં વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે, ‘ 2 મહિના પહેલા ભાજપના નેતાઓ 52 કરોડમાં બ્રિજને તોડીને નવો બનાવવાનો દાવો કરે છે અને અત્યારે બ્રિજની કોસ્ટ 118 કરોડ થઇ ગઇ છે. હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળ 118 કરોડ ખર્ચ થશે. ‘
શહેજાદ ખાન પઠાણે સવાલ ઉઠાવતા કહ્યું કે, અમદાવાદની જનતા એક તરફ ટ્રાફિકથી પરેશાન થઇ રહી છે અને તેનો કોઇ નિકાલ થતો નથી. હાટકેશ્વર બ્રિજ મામલે પાંચ વર્ષથી ભાજપ અમદાવાદ શહેરની જનતાને ગુમરાહ કરવાનું કામ કરે છે. ‘અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ 2017માં અજય ઇન્ફ્રા નામની કંપની દ્વારા 42 કરોડમાં બનાવવામાં આવ્યો હતો. અજય ઇન્ફ્રાએ દાવો કર્યો હતો કે આ બ્રિજને 100 વર્ષ સુધી કઇ નહીં થાય પણ પાંચ વર્ષ બાદ જ બ્રિજની મજબૂતાઇ પર સવાલ ઉભા થયા હતા. બ્રિજને 2022માં જનતા માટે બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ બ્રિજને તોડીને નવો બનાવવાનો દાવો કરવામાં આવ્યો હતો.