
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા૦૬ જૂન : કચ્છના ભચાઉ તાલુકાના અમરસર (નેર) ગામમાં ખેડૂતો માટે એક દિવસીય ખાસ કૃષિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ” ની યોજના અંતર્ગત અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય વિષય ‘ચોમાસામાં ક્ષારવાળી જમીનનું વ્યવસ્થાપન અને ટકાઉ ખેતી’ હતો. આ શિબિરમાં ગામના ૫૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને જમીનની ફળદ્રુપતા કેવી રીતે જાળવી રાખવી તેની સરળ સમજ આપવામાં આવી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીને પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન અને પાક બંનેને લાંબા ગાળે ફાયદો થાય છે. ખેડૂતો પોતાની ક્ષારવાળી જમીનને ખેતીલાયક કઈ રીતે બનાવી શકે, લીલા પડવાશનો ઉપયોગ કઈ રીતે કરવો અને જમીન ચકાસણી માટે માટીનો નમૂનો વૈજ્ઞાનિક રીતે કેવી રીતે લેવો, તેની ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. વળી, ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવાથી જમીનનો ક્ષાર ઘટે છે અને પાકનું ઉત્પાદન સુધરે છે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.વિવિધ વિષયો પર માર્ગદર્શન આપતા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. યોગેશ રાઠવાએ સિંચાઈના પાણીનો સમાન અને કરકસરયુક્ત ઉપયોગ કરવા જણાવ્યું હતું. ડૉ. વારિસ અલીએ ‘સોઈલ હેલ્થ કાર્ડ’નું મહત્વ સમજાવીને જમીન ચકાસણી કરાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો અને જમીનનું આરોગ્ય સુધારવાના ઉપાયો સૂચવ્યા હતા.કૃષિ નિષ્ણાત રાજ પરવાડીયાએ ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ઉપયોગ બદલે દેશી અને પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે પાકમાં જીવામૃત, બીજામૃત, મલ્ચિંગ (આચ્છાદન) અને આંતરપાક પદ્ધતિના ફાયદાઓ વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. મહેશ મારવાડીયા દ્વારા ‘સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ’ યોજના અંતર્ગત મળતા વિવિધ લાભોની જાણકારી આપવામાં આવી હતી અને ખેડૂતોની સ્થળ પર જ નોંધણી કરવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમ સ્થાનિક ખેડૂતો માટે ખૂબ જ માહિતીસભર અને ભવિષ્યની ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા માટે ઉપયોગી સાબિત થયો હતો.



