ઝઘડિયામાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો:ઉંટિયા ગામમાંથી 1.04 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉંટિયા ગામમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો છે. પોલીસે દેશી દારૂ અને દારૂ ગાળવાના વોશ સહિત કુલ 1.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝઘડિયા પોલીસ મથકના પીઆઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી. બાતમી મુજબ, ઉંટિયા ગામનો અલ્પેશ ઉર્ફે લાલો કાન્તિભાઇ વસાવા કબ્રસ્તાન નજીક છાપરામાં દેશી દારૂનું ઉત્પાદન અને વેચાણ કરતો હતો.
પોલીસને રેડ દરમિયાન છાપરામાં ત્રણ ભઠ્ઠી મળી આવી હતી. આ ભઠ્ઠીઓ એલ્યુમિનિયમના તગારા, પીપ અને પાઇપોના ઉપયોગથી બનાવવામાં આવી હતી. સ્થળ પરથી 8 કાર્બા અને 4 મીણીયા કોથળાઓમાં દેશી દારૂ મળ્યો હતો. આ ઉપરાંત, નજીકની ઝાડીમાંથી 45 બેરલમાં દારૂ ગાળવાનો વોશ અને બે મીણીયા થેલીમાં ફટકડી મળી આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 190 લિટર દેશી દારૂ (કિંમત રૂ. 38,000), 2250 લિટર વોશ (કિંમત રૂ. 56,200), 45 કિલો ફટકડી (કિંમત રૂ. 2,250), 300 લિટર ગરમ વોશ (કિંમત રૂ. 7,500) અને ત્રણ એલ્યુમિનિયમ તગારા (કિંમત રૂ. 300)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપી અલ્પેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.