
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૨૦ મે : કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન બંધ રહેલી અથવા ચાર્જમાં આપેલી પી.એમ. પોષણ (મધ્યાહ્ન ભોજન યોજના) કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની થાય છે. જેથી અંજાર તાલુકાના સંઘડ પ્રા. શાળા (કેન્દ્ર નં. ૭૧), રામપર પ્રા. શાળા (કેન્દ્ર નં. ૭૦), માધવનગર-ખેડોઈ પ્રા. શાળા (કેન્દ્ર નં. ૯૮), શાંતિધામ-ખંભરા પ્રા. શાળા (કેન્દ્ર નં. ૧૧૫), ખોખરા પ્રા. શાળા (કેન્દ્ર નં. ૨૪), હીરાપર કન્યા પ્રા. શાળા (કેન્દ્ર નં. ૧૨૯), ચકારમોરા વાંઢ-ધમડકા પ્રા. શાળા (કેન્દ્ર નં. ૫૦) અને ભલોટ પ્રા. શાળા (કેન્દ્ર નં. ૧૯) એમ કુલ ૮ મધ્યાહ્ન ભોજન કેન્દ્રો ઉપર નિમણૂક મેળવવા ઈચ્છતા અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.આ કેન્દ્રો માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત અરજી ફોર્મ મેળવીને, સંપૂર્ણ વિગતો ભરીને તા.૩૦/૦૫/૨૦૨૬ સુધીમાં કચેરી સમય દરમિયાન ટપાલથી અથવા રૂબરૂ મામલતદાર કચેરી, અંજાર ખાતે મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. આ જગ્યા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. પાસ હોવી જરૂરી છે. જો એસ.એસ.સી. પાસ ઉમેદવાર નહીં મળે તો ધોરણ-૭ પાસ સુધીના ઉમેદવારની અરજી ધ્યાને લેવાશે. ઉમેદવારની વય મર્યાદા ૨૦ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ભરતીમાં સ્થાનિક વિધવા અને ત્યક્તા મહિલાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે, જ્યારે અગાઉ કોઈ ગેરરીતિના કારણે છૂટા કરાયેલા સંચાલકો આ નિમણૂક માટે લાયક ગણાશે નહીં.અરજી સાથે અરજદારે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની ખરી નકલ, ઉંમર અંગેનો આધાર પુરાવો (એલ.સી.), રેશનકાર્ડ તથા ચૂંટણીકાર્ડની નકલ, જાતિનું પ્રમાણપત્ર, સ્થાનિક રહેઠાણ અંગેના તથા અરજી ફોર્મમાં જણાવેલ અન્ય આધાર, એસ.બી.આઈ. બેંક ખાતા નંબર અથવા પાસબુકની ઝેરોક્ષ નકલ, તબીબી પ્રમાણપત્ર (મેડિકલ સર્ટિફિકેટ) તેમજ પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર જેવા તમામ જરૂરી આધાર પુરાવાઓની પ્રમાણિત નકલો અચૂક રજૂ કરવાની રહેશે.અરજી કરનાર તમામ લાયક ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે તા.૦૩/૦૬/૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મામલતદાર કચેરી, અંજાર ખાતે પોતાના અસલ પ્રમાણપત્રો સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે તેમ મામલતદાર અંજારની અખબારી યાદીમાં જણાવાયું છે.



