
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – વિકાસના દાવા વચ્ચે નેસડા ગામની વાસ્તવિકતા: “રોડ નહીં તો વોટ નહીં” સાથે ચૂંટણી બહિષ્કારનો એલાન – નેતાઓ મત લેવા આવે ત્યારે ફરકે છે – ગ્રામજનો,આઝાદી પછી પણ પાકા રસ્તાથી વંચિત ગામ..!!!

અરવલ્લી જિલ્લામાં વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે મેઘરજ તાલુકાના નેસડા ગામની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. આઝાદીના લગભગ સાત દાયકાઓ બાદ પણ ગામના લોકો આજે મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ખાસ કરીને પાકા રસ્તાની સુવિધા ના હોવાને કારણે ગ્રામજનોનું જીવન દૈનિક સ્તરે મુશ્કેલીઓથી ઘેરાયું છે.
નેસડા ગામમાં વર્ષોથી રસ્તાની સમસ્યા યથાવત છે. વરસાદી મોસમમાં કાચા રસ્તા કાદવમાં ફેરવાઈ જાય છે, જ્યારે ઉનાળામાં ધૂળના ગબ્બારા ઉડતા રહે છે. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને શાળા પહોંચવામાં મુશ્કેલી પડે છે, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને હોસ્પિટલ સુધી પહોંચાડવું મુશ્કેલ બની જાય છે. ગામલોકોનું કહેવું છે કે અનેક વખત તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી.
પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે 108 એમ્બ્યુલન્સ જેવી આવશ્યક આરોગ્ય સેવા પણ ગામ સુધી પહોંચી શકતી નથી. ઈમરજન્સી સમયે દર્દીઓને ખભા પર કે ખાનગી વાહનોમાં કપરા રસ્તા પરથી લઈ જવાની ફરજ પડે છે, જે જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે.ચૂંટણીનો સમય નજીક આવતા જ ગામમાં રાજકીય ચળવળ વધતી હોય છે, પરંતુ આ વખતે ગ્રામજનોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. “રોડ નહીં તો વોટ નહીં” ના નારા સાથે ગામલોકોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ગામના પ્રવેશદ્વાર પર રાજકીય પાર્ટીઓના પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવતા બેનરો લગાવવામાં આવ્યા છે, જે લોકોના રોષ અને અસંતોષને સ્પષ્ટ રીતે દર્શાવે છે.ગ્રામજનોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે નેતાઓ માત્ર વચનો આપે છે, પરંતુ જીત્યા બાદ તેઓ ગામની સમસ્યાઓ તરફ ધ્યાન આપતા નથી. હવે લોકો કોઈપણ આશ્વાસન નહીં, પરંતુ વાસ્તવિક કામગીરી માંગે છે.હાલમાં ગ્રામજનોની એકમાત્ર માંગ છે કે મતદાન પહેલા ગામમાં પાકા રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે. જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં ભરે, તો તેઓ પોતાનો બહિષ્કારનો નિર્ણય યથાવત રાખશે. નેસડા ગામનો આ વિરોધ માત્ર એક ગામની સમસ્યા નથી, પરંતુ વિકાસના દાવાઓ સામે ઉભો થયેલો સવાલ છે કે શું આજેય ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ માટે લોકો સંઘર્ષ કરવા મજબૂર છે..?





