ARAVALLIMEGHRAJMODASA

અરવલ્લી – છ મહિનાથી બાકી ચૂકવણાં મુદ્દે આશા બહેનોનું ધરણાં પ્રદર્શન, આરોગ્ય યોજનાઓનો બહિષ્કાર કરવાની ચીમકી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – છ મહિનાથી બાકી ચૂકવણાં મુદ્દે આશા બહેનોનું ધરણાં પ્રદર્શન, આરોગ્ય યોજનાઓનો બહિષ્કાર કરવાની ચીમકી

અરવલ્લી જિલ્લામાં આરોગ્ય સેવાઓનો પાયો ગણાતી આશા વર્કર બહેનો પોતાના હક માટે રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. ગામડાંના અંતિમ છેવાડા સુધી સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓ પહોંચાડતી આ મહિલાઓએ છેલ્લા છ મહિનાથી બાકી રહેલા ઇન્સેન્ટિવ અને માનદ વેતનની ચુકવણી મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી કચેરી આગળ ધરણાં પ્રદર્શન કરી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો

આશા વર્કર બહેનોના જણાવ્યા મુજબ તેઓ HBYC, HBNC, PMMVY, PMJAY, ABHA સહિત આરોગ્ય વિભાગની અનેક મહત્વપૂર્ણ યોજનાઓમાં સતત મેદાનમાં રહીને કામગીરી કરી રહ્યા છે. ગર્ભવતી મહિલાઓની સંભાળ, નવજાત બાળકોની દેખરેખ, રસીકરણ અને વિવિધ આરોગ્ય અભિયાનોમાં તેઓ ખડેપગે સેવા આપી રહ્યા છે, છતાં તેમના મહેનતના નાણાં મહિનાઓથી અટવાયેલા છે.આશા બહેનોએ આક્ષેપ કર્યો હતો કે ઇન્સેન્ટિવના 50 ટકા, ટોપ-અપની રકમ, વર્ષ 2023થી PMMVY યોજના હેઠળની ચૂકવણી તેમજ ઓક્ટોબર 2025થી સી-બેક યોજના હેઠળની રકમ હજુ સુધી ચૂકવવામાં આવી નથી. ઉપરાંત માર્ચ મહિનાથી માનદ વેતન પણ મળ્યું ન હોવાથી અનેક પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.આક્રોશિત આશા બહેનોએ સરકાર અને આરોગ્ય વિભાગને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તાત્કાલિક બાકી ચૂકવણાં કરવામાં નહીં આવે તો આગામી પોલિયો અભિયાન સહિતની તમામ આરોગ્ય યોજનાઓમાં તેઓ કામગીરીથી દૂર રહેશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને આરોગ્ય તંત્રની રહેશે.આશા બહેનોએ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી સહિત સંબંધિત અધિકારીઓને લેખિત આવેદનપત્ર પાઠવી બાકી રહેલી તમામ રકમ તાત્કાલિક ચૂકવવા અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હતી. સાથે જ માંગણીઓનો ઉકેલ નહીં આવે તો હડતાળનું એલાન પણ કરવામાં આવ્યું છે.હવે સવાલ એ છે કે સરકારની આરોગ્ય યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડતી આ આશા બહેનોની પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચશે કે નહીં? જવાબદાર તંત્ર તેમની પીડા સાંભળશે કે ફરી એકવાર માત્ર આશ્વાસનો જ મળશે, તેના પર સૌની નજર મંડાઈ છે.

Back to top button
error: Content is protected !!