
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ – ડાભા પાસે વાત્રક નદીનો જોખમી પુલ ભારે વાહનો માટે 60 દિવસ બંધ, જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
ડાભા ગામ પાસે વાત્રક નદીનો પુલ ભારે વાહનો માટે 60 દિવસ બંધ
અરવલ્લી જિલ્લાના બાયડ-દહેગામ રોડ પર ડાભા ગામ નજીક વાત્રક નદી પર આવેલ મેજર બ્રિજની હાલત અત્યંત નબળી (Poor) હોવાનું સતત થયેલા ટેક્નિકલ નિરીક્ષણોમાં સામે આવતા જિલ્લા મેજિસ્ટ્રેટે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે.

વર્ષ 2025 તેમજ વર્ષ 2026 દરમિયાન વિવિધ એજન્સીઓ અને નિષ્ણાતો દ્વારા કરાયેલા નિરીક્ષણમાં બ્રિજની સ્થિતિ જોખમી હોવાનું નોંધાયું હતું. અગાઉ બ્રિજ પર 25 કિમી પ્રતિ કલાકની ઝડપ મર્યાદા અને સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા હતા, પરંતુ હવે ભારે વાહનો માટે પુલ પરથી પસાર થવું જોખમી ગણાતા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.જિલ્લા મેજિસ્ટ્રેટ મિલિન્દ બાપના (IAS) દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ જાહેરનામાની તારીખથી આગામી 60 દિવસ સુધી તમામ નોંધાયેલા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
ભારે વાહનો માટે ડાયવર્ઝન:
અમદાવાદ–ગાંધીનગરથી બાયડ તરફ જતા ભારે વાહનો તેનપુર ચોકડી–લિંબ–રોઝડ–વડાગામ–ધનસુરા માર્ગે બાયડ જશે.
બાયડથી અમદાવાદ–ગાંધીનગર તરફ જતા ભારે વાહનો બાયડ–ધનસુરા–વડાગામ–રોઝડ ચોકડી–તેનપુર માર્ગે પસાર થશે.
પોલીસ, આરટીઓ અને માર્ગ-મકાન વિભાગને ટ્રાફિક નિયમન, ડાયવર્ઝન બોર્ડ, ગતિ મર્યાદા સૂચનાઓ અને માર્ગ સલામતી માટે જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 તથા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




