
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન – જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૬૪.૦૦ ટકા મતદાન

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. જિલ્લામાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર પ્રક્રિયા કોઈ અનિચ્છનીય બનાવ વિના સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
અરવલ્લી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૬૪.૦૦ ટકા મતદાન નોંધાયું છે. જેમાં સાઠંબા બેઠક પર સૌથી વધુ ૭૨.૬૭ ટકા મતદાન નોંધાયું, જ્યારે કુંડોલપાલ બેઠક પર સૌથી ઓછું ૪૯.૯૯ ટકા મતદાન નોંધાયું છે.
તાલુકા પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો ધનસુરા તાલુકા પંચાયતમાં સૌથી વધુ ૬૮.૯૯ ટકા મતદાન નોંધાયું છે, જ્યારે ભિલોડા તાલુકા પંચાયતમાં સૌથી ઓછું ૫૭.૫૦ ટકા મતદાન નોંધાયું છે. અન્ય તાલુકાઓમાં મોડાસા તાલુકા પંચાયતમાં ૬૩.૩૩ ટકા, બાયડ તાલુકા પંચાયતમાં ૬૭.૮૩ ટકા, માલપુર તાલુકા પંચાયતમાં ૬૮.૨૭ ટકા, મેઘરજ તાલુકા પંચાયતમાં ૬૩.૮૮ ટકા, સાઠંબા તાલુકા પંચાયતમાં ૬૮.૭૦ ટકા અને શામળાજી તાલુકા પંચાયતમાં ૬૧.૯૨ ટકા મતદાન નોંધાયું છે.
નગરપાલિકા સ્તરે મોડાસા નગરપાલિકામાં સરેરાશ ૬૫.૦૩ ટકા મતદાન નોંધાયું છે. જેમાં વોર્ડ નંબર ૯ માં સૌથી વધુ ૭૫.૨૭ ટકા અને વોર્ડ નંબર ૩ માં સૌથી ઓછું ૫૫.૪૮ ટકા મતદાન નોંધાયું છે. બાયડ નગરપાલિકામાં સરેરાશ ૬૭.૨૬ ટકા મતદાન નોંધાયું છે.
આ રીતે અરવલ્લી જિલ્લામાં લોકશાહીના પર્વને લોકો દ્વારા ઉત્સાહભેર ઉજવતા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હોવાનું જણાય છે.




