
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – રામગઢી પાસે ટ્રેક્ટરને સાઈડ આપતા દૂધ ભરેલું ટેન્કર ખાડામાં ખાબક્યું, ચાલકનો આબાદ બચાવ
મેઘરજ, અરવલ્લી: મેઘરજ તાલુકાના રામગઢી રોડ પર આવેલા લાલાકુપા ચાર રસ્તા નજીક આજે દૂધ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ટેન્કર ચાલક ટ્રેક્ટરને સાઈડ આપવા જતાં વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો હતો, જેના કારણે ટેન્કર રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબક્યું હતું.

અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા થઈ નથી. જોકે અકસ્માતને કારણે થોડા સમય માટે રોડ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લાલાકુપા ચાર રસ્તા નજીક વાહનોની અવરજવર વધુ રહેતી હોવાથી અહીં સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની જરૂર છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોની ભીડ ઉમટી પડી હતી ટેન્કરને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.





