વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે.તેમજ અકસ્માતોમાં કેટલાય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે.જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગનાં અધિકારીઓની નિષ્કાળજી કહો કે બેદરકારી તેઓ દ્વારા સમયસર આ માર્ગની મુલાકાત પણ લેવામાં આવતી ન હોવાથી વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી રહી છે.ત્યારે સાપુતારા ખાતે પધારી રહેલ મુખ્યમંત્રી દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગને લઈને અધિકારીઓ સામે કોઈ એક્શન લેશે કે નહીં તેવી ચર્ચા ઉઠવા પામી છે.ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 9 કિલોમીટરનું અંતર ધરાવે છે.આ 9 કિલોમીટરનો માર્ગ સર્પાઆકારમાં આવેલો છે.તેમજ આ માર્ગ ઘાટ સેક્શન ધરાવે છે.જેના કારણે આ માર્ગ પર વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે.તેમજ અનેક અકસ્માતોમાં ઘણી વખત લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે.પરંતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગની ઓફીસ નવસારી આવેલ હોવાથી અધિકારીઓ આ માર્ગની મુલાકાત લેતા નથી.વધુમાં અકસ્માત થાય તો પણ આ વિભાગનાં અધિકારીઓ ફરકતા નથી.જેના પગલે ડાંગ જિલ્લાનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘણીધોરી વગરનો બની ગયો છે.થોડા વર્ષ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા આ માર્ગને રાજયધોરી માર્ગમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં તબદીલ તો કરવામાં આવેલ છે જોકે ખરા સમયે તેઓ પાસે કોઈ પણ સાધન સામગ્રી ઉપલબ્ધ ન હોવાથી વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડી રહી છે.ચોમાસાની ઋતુમાં આ માર્ગની સાઈડમાં અનેક જગ્યાએ ખાડાઓ પડી જતા હોય છે.તેમજ ચોમાસાની ઋતુમાં વારંવાર ભેખડો ધસી પડવાનાં બનાવો બનતા હોય છે.પરંતુ કુંભકર્ણનાં નિંદ્રામાં પોઢેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગનાં અધિકારીઓ દ્વારા તો ખાડા પુરવાની પણ તસ્દી લેવામાં આવતી નથી.સાથે ભેખડો ધસી પડે તો બે ત્રણ દિવસ સુધી કામગીરી કરવામાં આવતી નથી.અહીં થોડા દિવસ અગાઉ સાપુતારા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ખાડા પૂરવામાં આવ્યા હતા પરંતુ નફ્ફટ બની ગયેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં અધિકારીઓ દ્વારા તો વાહન ચાલકોના હિતમાં કોઈ કામગીરી કરવામાં આવી નહોતી.તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગનું મોટુ બોર્ડ મારી ફરતા વિભાગ પાસે એક ક્રેનની પણ વ્યવસ્થા નથી.તેમજ હાલમાં થોડા દિવસોમાં સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે.ત્યારે પ્રવાસી વાહનોની સંખ્યામાં પણ વધારો થશે તેવામાં સુરક્ષાની દ્રષ્ટિએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ પાસે કોઈ પણ સાધનો ઉપલબ્ધ ન હોવાથી લોકોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે.તેવામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાપુતારા ખાતે પધારી રહ્યા છે.જેથી મુખ્યમંત્રી પ્રવાસીઓનાં હિત અને સુરક્ષા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગના અધિકારીઓનાં કાન આમળે તેવી લોકમાંગ ઉઠી છે.
બોક્ષ:-(1) …રાષ્ટ્રીય ધોરીમાર્ગની બેદરકારીનાં પગલે છેલ્લા બે દિવસથી સાપુતારા ઘાટમાર્ગમાં બે ત્રણ ટ્રક ખોટકાઈને માર્ગનાં વચ્ચો વચ ઉભા રહી જતા કામગીરી સામે સવાલો ઉઠ્યા.આજરોજ સાપુતારા ખાતે મુખ્યમંત્રી પધારવાનાં હોય તેમ છતાંય રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ નિદ્રામાં જોવા મળ્યુ છે.સાપુતારા ઘાટમાર્ગમાં છેલ્લા બે દિવસથી માલવાહક ટ્રક ખોટકાઈને માર્ગને વચ્ચો વચ ઉભા રહી અડચણ બન્યા છે.તેમ છતાંય રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ આ ટ્રકને ખસેડવાની જગ્યાએ આરામ ફરમાવી રહ્યા છે.સાપુતારા ખાતે મુખ્યમંત્રી આવવાનાં હોય તેમ છતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને કઈ પણ પડી નથી.તો સામાન્ય દિવસોમાં પ્રવાસી વાહન ચાલકોની કેવી દશા થતી હોય તે વિચારવા જેવી બાબત છે..