સુરેન્દ્રનગરમાં 40થી વધુ મકાન ધારકોમાં રોગચાળાની દહેશત

તા.19/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ દેશળભગતની વાવ ગોકુલનગરના રિધ્ધેશ્વરદાદા મંદિરની સામેની ગલીમાં છેલ્લા 15 દિવસથી વરસાદી અને ગટરના પાણીના ભરાવાથી લોકોમાં રોષ ફેલાયો હતો આ પાણીના કારણે લોકો ઘર કે ડેલાની બહાર પણ નીકળી શકતા નથી અને રોગચાળાનો ભય ફેલાતા યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી સુરેન્દ્રનગર વઢવાણ શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની બૂમરાણો ઉઠી રહી છે તો બીજી તરફ સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ દેશળભગતની વાવ પાસે ગોકુલનગરમાં ચોમાસા દરમિયાન આ પ્રશ્ન જોવા મળતા રહિશોમાં રોષ ફેલાયો હતો આ વિસ્તારના રિધ્ધેશ્વરદાદાના મંદિરની સામેની ગલીમાં છેલ્લા પંદર દિવસથી વરસાદી તેમજ ગટરના ગંદા પાણીના જમાવડા લોકોના મકાનો અને ડેલા આગળ જ જોવા મળ્યા હતા જેના કારણે વિસ્તારના લોકો તેમજ બાળકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી દર પાણીના વારે પણ ગટર મારફત ગંદા પાણી અહીં જમા થઇ રહ્યા છે તો બીજી તરફ ગટર દ્વારા પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણી પણ ગટરમાંથી ઉભરાઇને રોડ પર કે મકાનો આગળ ફરી વળે છે આ અંગે વિસ્તારના વશરામભાઈ પ્રભુભાઈ ટમાલીયા, ધીરૂભાઈ રઘુભાઈ, ગુલાલભાઈ રઘુભાઈ સહિતના રહિશોએ જણાવ્યું કે, દર ચોમાસાના દિવસોમાં અહીં આવી પરિસ્થિતિ ઉભી થાય છે લોકો પોતાના ડેલા કે ઘરની બહાર નીકળી શકતા નથી. ગટરના, ખાળકૂવા સહિતના પાણીનો યોગ્ય નિકાલ થતો નથી તેમાંય જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદી પાણીનો પણ ભરાવો થઇ જાય છે આથી ગટરના ગંદા અને વરસાદી પાણીના કારણે આ વિસ્તારમાં જીવજંતુઓ અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.



