BANASKANTHATHARAD

થરાદ ખાતે બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલની 75 મી જન્મ જયંતિ- અમૃતપર્વની ઉજવણી પ્રસંગે રજત અને રક્ત તુલા કાર્યક્રમ યોજાયો

વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

***

આજનો દિવસ આ સરહદી વિસ્તાર માટે ખુબ ગૌરવનો દિવસ છે:-અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી

***

સમાજ જીવન માટે કામ કરતા કોઈ વ્યક્તિની જયારે સમાજ પોતે પીઠ થપથપાવે એનાથી બીજું સન્માન શું હોઈ શકે:–અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી

**

બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે શ્રી પરબતભાઈ પટેલે ભગીરથ પ્રયાસ કર્યો છે: –આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ

(માહિતી બ્યુરો, પાલનપુર)

બનાસકાંઠા જિલ્લાના થરાદ ગાયત્રી વિદ્યાલય ખાતે વાવ-થરાદ પાંચ પરગણા આંજણા પટેલ સમાજ દ્વારા આયોજીત બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલની 75 મી જન્મ જયંતિ- અમૃતપર્વની ઉજવણી પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને રજત તુલા અને રક્ત તુલા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આરોગ્ય વિભાગના કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે સાંસદશ્રીનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.

આ પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ સાંસદશ્રી પરબતભાઇ પટેલને હેપ્પી બર્થ ડે કહી જણાવ્યું કે, આજનો દિવસ આ સરહદી વિસ્તાર માટે ખુબ ગૌરવનો દિવસ છે. આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદની અને સમગ્ર રાજ્ય અને રાજસ્થાનથી આટલી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા છે એ આપણા સાંસદશ્રી પરબતભાઇ પટેલ પ્રત્યેનો પ્રેમ, લાગણી અને સ્નેહ દર્શાવે છે. સમાજ જીવન માટે કામ કરતા કોઈ વ્યક્તિની જયારે સમાજ પોતે પીઠ થપથપાવે એનાથી બીજું સન્માન શું હોઈ શકે એમ જણાવી અધ્યક્ષશ્રીએ કહ્યું કે, એક બાજુ સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે અને બીજી બાજુ આપણા લોકપ્રિય સાંસદશ્રી પરબતભાઈ પટેલના 75 માં જન્મદિવસની ઉજવણી પ્રસંગે બનાસકાંઠામાં અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ઉજવણી અંતર્ગત સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈના પ્રાણ બચાવવા માટે ગઈકાલે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં મને પણ રક્તદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.

અધ્યક્ષશ્રીએ બીજા ભલા માટે કામ કરવાની નેમ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આપણા સાંસદશ્રીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે જિલ્લામાં 75 હજાર જેટલાં ચંદનના વૃક્ષ વાવવાના લક્ષ્યાંક સામે ગઈકાલ સુધીમાં જિલ્લાના ખેડૂતોએ 1 લાખ જેટલાં ચંદનના રોપાઓ વાવ્યા છે. આવા કાર્યક્રમોથી સમાજ જીવનમાં ગ્રામ પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી કામ કરતાં લોકોને નવું બળ અને પ્રેરણા મળશે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાને પાણીદાર બનાવવા સૌ સાથે મળીને પુરુષાર્થ કરીએ.

આ પ્રસંગે આરોગ્ય વિભાગના કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે સાંસદશ્રી પરબતબાઈ પટેલને તંદુરસ્ત દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, શ્રી પરબતભાઇ પટેલે રાજકીય સમાજ જીવનના 50 વર્ષ અને જીવનના 75 વર્ષ પુરા કર્યા છે ત્યારે આપે 75 વર્ષમાં જે સબંધોનું વાવેતર કર્યુ છે એ હું મારી નજર સમક્ષ જોઈ રહ્યો છું. લોકો આપના પ્રત્યે અઢળક પ્રેમ- સ્નેહ વરસાવે છે એમાં શ્રીમતી અજીબેનનું પણ ઘણું યોગદાન છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે શ્રી પરબતભાઈ પટેલે ભગીરથ પ્રયાસ કર્યો છે. લોકોના હૃદય અને મનની અંદર સ્પંદનો પેદા થાય એવા કામો એમણે કર્યા છે. તેમણે ઉમેર્યું કે આજે બનાસ ડેરીનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગે છે ત્યારે આ વિસ્તારની પાણીની સમસ્યાઓના નિવારણ માટે અને તળાવો ભરવા માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે. થરાદ અને ધાનેરા તાલુકાના 200 જેટલાં તળાવો ભરવા માટે રૂ. 1411 કરોડ મંજુર કરવામાં આવ્યા છે તેવી જ રીતે વડગામ તાલુકામાં મુક્તેશ્વર અને કરમાવાત તળાવ ભરવા માટે પણ રૂ. 550 કરોડની રકમ મંજુર કરવામાં આવી છે તેમ જણાવી કહ્યું કે ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. બનાસકાંઠાના ખેડૂતો પાણીના મહત્વને બરાબર સમજ્યા છે એટલે ડ્રિપ અને સ્પ્રિંકલર પદ્ધતિ અપનવવામાં અગ્રેસર છે.

પોતાની 75મી જન્મ જયંતિ અમૃતપર્વની ઉજવણી પ્રસંગે બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલે સમાજને નમન અને વંદન કરી સમાજનો ઋણ સ્વીકારતાં કહ્યું કે તમે મને ધારાસભ્ય અને સંસદ સભ્ય બનાવ્યો છે એનું ઋણ કઈ રીતે ઉતારી શકું. આજે હું જે કંઈપણ છું એ મારા ઘર, પરિવાર અને તમામ સમાજે મારા પર મુકેલા વિશ્વાસને આભારી છું. તેમણે કહ્યું કે હું ઘરથી નીકળું અને ઘેર ક્યારે પાછો આવીશ એ મારા ઘરેથી ક્યારેય પૂછવામાં આવ્યું નથી એટલે જ લોકો અને સમાજના કામ માટે પુરતો સમય આપી શક્યો છું. મેં મારી જિંદગીમાં ક્યારેય આરામ કર્યો નથી અને મને મળવા આવનાર વ્યક્તિનો સમય ન બગડે એની ચિંતા કરી છે. તેમણે ભાવુક થતાં કહ્યું કે ગઈકાલે યોજાયેલ રક્તદાન કેમ્પમાં તમામ સમાજના લોકોએ રક્તદાન કર્યુ છે એ જોઈને હું અભિભૂત થયો છું.

સાંસદશ્રીએ કહ્યું કે, મેં સપનામાં પણ કોઈનું અહિત વિચાર્યું નથી કે કર્યુ નથી એટલે આ વિસ્તારના ઘણા લોકો મારા કરતાં પણ હોંશિયાર હોવા છતાં તમે મારામાં વિશ્વાસ મૂકી મારી નેતાગીરીનો સ્વીકાર કરી આજસુધી કોઈપણ સમાજે મારી સામે ટિકિટની માંગણી કરી નથી એનાથી બીજું સન્માન શું હોઈ શકે એમ કહી લોકોને નતમસ્તક વંદન કર્યા હતા.

તેમણે કહ્યું કે, મારા 75 માં જન્મદિવસની ઉજવણી પ્રસંગે સમાજ દ્વારા 75 વડ વાવવામાં આવ્યા છે. 75 સગર્ભા બહેનોને કીટ આપવામાં છે અને 200 જેટલી શાળાના બાળકોને તિથિ ભોજન અપાયું છે. આજે કરાયેલ રજત તુલાની ચાંદી પણ સમાજના બાળકોના શિક્ષણ માટે અર્પણ કરવાની તેમણે જાહેરાત કરી હતી.

આ પ્રસંગે પદ્મશ્રી વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર શ્રી દેવેન્દ્ર પટેલે જણાવ્યું કે, આજથી 50 વર્ષ પહેલાં ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક કવરેજ કરવા માટે હું સૂઈગામ અને આ વિસ્તારમાં આવ્યો હતો એ વખતે આ વિસ્તાર સાવ ઉજ્જડ અને વેરાન હતો. આજે આપણે જે લીલોતરી અને હરિયાળી જોઈ રહ્યા છીએ તે આ વિસ્તારના આગેવાન શ્રી પરબતભાઈ પટેલ જેવા અગ્રણીઓના પુરુષાર્થને આભારી છે. તેમણે પરબતભાઈ પટેલની સાદગી, સાલસતા અને જમીન સાથે જોડાયેલા હોવાની વાત જણાવી કહ્યું કે તમે ગમે ત્યારે ફોન કરીને સીધી વાત કરી શકો એવું સરળ વ્યક્તિત્વ એટલે શ્રી પરબતભાઇ પટેલ.

આ પ્રસંગે પૂજ્ય સંતશ્રી નાગરવનજી બાપુ અને સંતશ્રી શામળદાજી બાપુએ આશીર્વાદ પાઠવી સુખી-સમૃદ્ધ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં પાટણ સાંસદશ્રી ભરતસિંહ ડાભી, રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રીશ્રી ઉદયલાલ આંજણા, ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, પ્રવિણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, સરદારભાઈ ચૌધરી, શ્રી પરબતભાઇ પટેલના ધર્મપત્ની શ્રીમતી અજીબેન પટેલ, પૂર્વ મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, હરજીવનભાઈ પટેલ, જયસિંહ ચૌહાણ અને કાંતિભાઈ કચોરીયા, રાજ્ય સભા પૂર્વ સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડીયા, પૂર્વ ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પ્રજાપતિ, નથાભાઈ પટેલ, શિવાભાઈ ભુરીયા, શશીકાંતભાઈ પંડ્યા, જોઇતાભાઈ પટેલ, રેખાબેન ખાણેશા, કાળુભાઇ તરક, વસંતભાઈ ભટોળ, રમીલાબેન દેસાઇ, અનિલભાઈ માળી, અમિતભાઇ ચૌધરી, જીવારામ ચૌધરી, અગ્રણીઓ સર્વશ્રી જોગારામ ચૌધરી, કીર્તિસિંહ વાઘેલા, માવજીભાઈ પટેલ, વિરજીભાઈ જુડાલ, હરિભાઈ ચૌધરી, પરથીભાઈ ભટોળ, સવશીભાઈ ચૌધરી, ગજેન્દ્રસિંહ રાણા, ડી. ડી. રાજપૂત, નૌકાબેન પ્રજાપતિ, જીવરાજભાઈ પટેલ, બાબરાભાઈ ચૌધરી, સી. આર. ખરસાણ સહિત આગેવાનો અને વિશાળ સંખ્યામાં સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!