વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૪ જૂન : દર વર્ષે જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. ચોમાસાની ઋતુ નજીક છે. મચ્છરથી થતાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગને ફેલાતા અટકાવવા માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવે છે.
જિલ્લાના નાગરિકો પણ આ અંગે જાગૃત્ત બને, મચ્છરના ઉપદ્રવના સ્થાનોને નિયંત્રિત કરે તે જરૂરી છે. માદા એનોફિલીસ મચ્છર મેલેરિયાનો ફેલાવો કરે છે, જે મોટેભાગે રાત્રે કરડે છે. માદા એડીસ મચ્છરથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસ ફેલાય છે. આ તમામ મચ્છરજન્ય રોગને અગાઉથી જ ફેલાતો અટકાવવા માટે મચ્છર ઉત્પત્તિ અટકાવવી જરૂરી છે.
જ્યાં ચોખ્ખું-ખુલ્લું અને બંધિયાર પાણી મળે ત્યાં મચ્છર ઉત્પત્તિ થાય છે. આથી, પાણી સંગ્રહના તમામ પાત્રો, હવાચુસ્ત ઢાંકીને રાખવા સાથે ઘરમાં કે ઘરની બહાર ક્યાંય પાણીનો ભરાવો ન થવા દેવો, ફ્રીજની પાછળની ટ્રે, પક્ષીકુંજ, પશુઓને પાણી પીવાની કુંડી સહિત સ્થાનો પર પાણી ખાલી કરવા, તેને સૂકાવા દેવા. ઉપરાંત,છત, છાજલી, અગાસી પર પડેલા નકામા ભંગાર, ટાયર વગેરે વણઉપયોગી સામાનનો યોગ્ય નિકાલ કરવો. ખૂલ્લા ટાંકા, અવેડાં કે જ્યાં કાયમ પાણી ભરાયેલું રહેતું હોય તેવા સ્થાનો પર પોરાભક્ષક માછલી – ગપ્પી કે ગમ્બુશીયા મૂકવા સહિતની કાળજી લેવી જોઇએ, જેથી મચ્છરજન્ય રોગચાળાને ફેલાતા પૂર્વે અટકાવી શકાય. મચ્છર ઉત્પત્તિ અટકાવવા અને યોગ્ય પગલાઓ ભરવા જિલ્લાના નાગરિકો જાગૃત્ત બને અને મચ્છરના ઉપદ્રવના સ્થાનોને નિયંત્રિત કરે તે જરૂરી છે.
આમ, મચ્છર ઉત્પતિ અટકાવવા કાળજી લેવી અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવીએ, તે માટે સાવચેતી રાખવી જરૂરી છે.



