બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રના પ્રવેશદ્વાર પાસેનો કઠેડો તૂટેલી અને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ, વૃદ્ધો, બાળકો તથા તેમના પરિવારજનો સારવાર માટે આવતા હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ ચિંતાજનક બની છે.
પ્રવેશદ્વાર પાસે સીડી સાથે લગાવેલો કઠેડો લોકો માટે સહારો અને સુરક્ષાના હેતુથી મહત્વપૂર્ણ છે. પરંતુ કઠેડો તૂટેલી હાલતમાં હોવાથી ખાસ કરીને વૃદ્ધો અને ચાલવામાં મુશ્કેલી અનુભવતા દર્દીઓને મુશ્કેલી પડી શકે છે.
ત્યારે સ્થાનિક લોકો દ્વારા હોસ્પિટલ તંત્રનું ધ્યાન દોરીને માંગ કરવામાં આવી છે કે, તૂટેલા કઠેડાની તાત્કાલિક મરામત કરવામાં આવે તથા હોસ્પિટલ પરિસરમાં દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અન્ય જરૂરી વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવે.
આરોગ્ય કેન્દ્ર જેવી જાહેર આરોગ્ય સુવિધામાં દર્દીઓની સલામતી અને સુવિધાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.


