અંકલેશ્વરની ફાર્મા કંપની સાથે કરોડોની છેતરપિંડી:મુંબઈ-ઇન્દોરની 4 કંપનીઓએ 1.76 કરોડના API બલ્ક ડ્રગ્સ લઈને બોગસ ચેક આપ્યા
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સુયોગ લાઈફ સાયન્સ કંપની સાથે મોટી છેતરપિંડી સામે આવી છે. મુંબઈ અને ઇન્દોરની 4 કંપનીઓએ કંપની પાસેથી એપીઆઈ બલ્ક ડ્રગ્સ મંગાવ્યા હતા. કંપનીએ કુરિયર દ્વારા 1.76 કરોડ રૂપિયાનો માલ મોકલ્યો હતો. ચારેય કંપનીઓએ માલની ચુકવણી માટે પોસ્ટ ડેટેડ ચેક આપ્યા હતા. જો કે, આ ચેક બેંકમાં જમા કરાવતા પૂરતું બેલેન્સ ન હોવાને કારણે પરત ફર્યા હતા. સુયોગ કંપનીના માલિક સ્નેહલ ચંદ્રેશ દેવાણીએ તપાસ કરાવતા જાણવા મળ્યું કે મુંબઈ અને ઇન્દોરમાં આપેલા તમામ કંપનીઓના સરનામા બોગસ હતા.
આ મામલે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે પરમહંસ એન્ટરપ્રાઇઝના માલિક અરુણકુમાર શર્મા અને પરચેઝ મેનેજર રણજીતસિંહ, અવિવા લાઈફ સાયન્સના માલિક રાજેશ યુની ક્રિષ્નન અને પરચેઝ મેનેજર પંકજ અગ્રવાલ, હબ ફાર્માના માલિક સુરજ ચીરંકાર અને પરચેઝ મેનેજર સમીર અગ્રવાલ તેમજ વોર્ટેક્ષ મલ્ટીટ્રેડના અવિનાશ શિવપુરી, આકૃતિ અવિનાશ શિવપુરી અને પરચેઝ મેનેજર વિનીત શર્મા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.