ભરૂચમાં હોળી ઉજવણી:સાંસદ મનસુખ વસાવા સહિત નેતાઓએ રંગોથી એકબીજાને આપી શુભેચ્છા
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ગુરુવારે ભાજપ દ્વારા હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અન્ય નેતાઓએ હાજરી આપી હતી.
સાંસદ મનસુખ વસાવાએ પરંપરા મુજબ પૂજન સામગ્રીનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ગુજરાતના બજેટની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે ભરૂચ જિલ્લા માટે અનેક મહત્વના પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે.
દહેજ બાયપાસ એલિવેટેડ બ્રિજના વિસ્તરણ માટે 46 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક અને ભાડભૂત બેરેજ જેવા પ્રોજેક્ટ્સને પણ મોટી રકમ ફાળવવામાં આવી છે. પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનનું નવીનીકરણ કરી 800 બેઠકનું સંકુલ બનાવવામાં આવશે.
નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ ભરૂચના વિકાસની વાત કરી હતી. તેમણે પ્રજા અને પત્રકારોને જિલ્લાના વિકાસમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું. સાત ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવાએ મીડિયાની ભૂમિકાને બિરદાવી હતી. કાર્યક્રમના અંતે સૌએ એકબીજાને રંગ લગાવી હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી.