અમદાવાદ ગ્રામ્યમાં રંગોળી અને મહેંદીથી મતદાન જાગૃતિનો અનોખો પ્રયાસ, ૩૭ હજારથી વધુ લોકોએ લીધો ઉત્સાહભેર ભાગ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિવિધ રચનાત્મક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ૨૬ એપ્રિલે યોજાનાર મતદાનને ધ્યાનમાં રાખીને SVAP (State Voters Awareness Programme) અંતર્ગત જિલ્લાભરમાં અનોખા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં રંગોળી અને મહેંદી સ્પર્ધાએ ખાસ આકર્ષણ ઊભું કર્યું છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની અંદાજે ૬૨૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાઓના આંગણે વિદ્યાર્થીઓએ રંગબેરંગી રંગોથી મતદાન જાગૃતિના સંદેશ આપતી કલાત્મક રંગોળીઓ તૈયાર કરી હતી. ‘મારો મત, મારી શક્તિ’, ‘મતદાન કરવું ફરજ પણ અને અધિકાર પણ’ જેવા સૂત્રો રંગોળીમાં સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીનીઓએ પોતાના હાથ પર મહેંદી દ્વારા મતદાન જાગૃતિના સંદેશો લખીને અનોખી રીતે લોકજાગૃતિ ફેલાવી હતી. હથેળીમાં ઊકેલાયેલા આ સંદેશોએ વાલીઓ અને સ્થાનિક નાગરિકોમાં પણ મતદાન પ્રત્યે નવી જાગૃતિ પેદા કરી હતી. આ કાર્યક્રમમાં કુલ ૩૭,૯૭૬ જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ ઉપરાંત અનેક શાળાઓમાં મતદાન જાગૃતિ અંગે નાનકડા સંવાદ, શપથવિધિ અને પોસ્ટર પ્રદર્શન પણ યોજાયા હતા. વિદ્યાર્થીઓએ પોતાના ઘરમાં અને આસપાસના વિસ્તારમાં જઈ વાલીઓ તથા નાગરિકોને અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો સંકલ્પ કર્યો હતો. આ અભિયાન દ્વારા માત્ર શાળાઓ જ નહીં પરંતુ સમગ્ર સમાજમાં મતદાન અંગે સકારાત્મક વાતાવરણ સર્જાયું છે.
જિલ્લા સ્તરના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા મતદાનનો સંદેશ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવતો સંદેશ સમાજમાં ઝડપી અસર કરે છે, જે લોકશાહી માટે સારા સંકેત માનવામાં આવે છે.
કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓએ ૧૦૦ ટકા મતદાન સુનિશ્ચિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ રીતે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં શિક્ષણ વિભાગના પ્રયાસોથી મતદાન જાગૃતિનું એક સશક્ત અને પ્રેરણાદાયી માહોલ ઉભો થયો છે, જે આવનારી ચૂંટણીમાં વધુ મતદાનનો માર્ગ મોકળો કરશે.






