મલેકપુરના હનુમાન સર્કલ પાસે CCTV કેમેરા બંધ
તંત્રની બેદરકારી સામે લોકોમાં તીવ્ર રોષ...

મલેકપુરના હનુમાન સર્કલ પાસે CCTV કેમેરા બંધ :
તંત્રની બેદરકારી સામે લોકોમાં તીવ્ર રોષ…

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામના ચાર રસ્તા હનુમાન સર્કલ પાસે માર્ગો પર લગાવવામાં આવેલા CCTV કેમેરા છેલ્લા ત્રણ મહિનાથી બંધ હાલતમાં હોવાથી સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
હનુમાન સર્કલ મલેકપુરના મુખ્ય ચાર રસ્તાઓ પૈકીનું મહત્વનું સ્થળ છે. આ સર્કલ પાસેથી દુકાનો તેમજ રહેણાંક વિસ્તાર આવેલો હોવા છતાં CCTV કેમેરા બંધ પડ્યા હોવાથી સમગ્ર વિસ્તાર જાણે નિગરાની વિહોણો બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, ખાસ કરીને રાત્રિના સમયે ચોરી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓનો ભય સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ચાર રસ્તાઓમાંથી એક માર્ગ મોવાસા તરફ, જ્યારે અન્ય માર્ગો લુણાવાડા તથા ખાનપુર તરફ જાય છે. ચાર રસ્તા પર લગાવવામાં આવેલા CCTV કેમેરા અંદાજે ત્રણ મહિના થી બંધ હોવાનું જાણવા મળે છે.
તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કેમેરા ફરી કાર્યરત કરવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
CCTV કેમેરા માત્ર શોભાના સાધન બની રહેતા હોય તો જાહેર સુરક્ષાના હેતુ પર જ પ્રશ્નાર્થ ઊભો થાય છે.
તાજેતરમાં રાત્રિના સમયે ચોરી જેવી ઘટનાઓ બનવાની શક્યતા વચ્ચે કેમેરા બંધ હોવું તંત્રની ગંભીર બેદરકારી ગણાય છે. જેને લઈને
સ્થાનિક ગ્રામજનો અને વેપારીઓમાં આ મુદ્દે ભારે નારાજગી છે.
તેમણે તંત્ર સમક્ષ માંગ કરી છે કે હનુમાન સર્કલ સહિતના તમામ મુખ્ય માર્ગો પરના બંધ CCTV કેમેરા તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને કેમેરાની નિયમિત જાળવણી માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે.
કેમેરા બંધ રાખી કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોવાને બદલે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠી છે. 👆
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર


