GUJARATKUTCHMUNDRA

મુંદરા તાલુકામાં રાશનકાર્ડની કામગીરી હવે ઘરઆંગણે જ, સેવા સેતુ હેઠળ વિનામૂલ્યે સેવા

નામ ઉમેરવા, કમી કરવા કે નામ-અટકમાં સુધારા માટે આશા બહેનો મારફતે કામગીરી : કચેરીના ધક્કા અને પોર્ટલ ચાર્જમાંથી મુક્તિ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરા તાલુકામાં રાશનકાર્ડની કામગીરી હવે ઘરઆંગણે જ, સેવા સેતુ હેઠળ વિનામૂલ્યે સેવા

 

નામ ઉમેરવા, કમી કરવા કે નામ-અટકમાં સુધારા માટે આશા બહેનો મારફતે કામગીરી : કચેરીના ધક્કા અને પોર્ટલ ચાર્જમાંથી મુક્તિ

 

મુંદરા, તા. ૨ સપ્ટેમ્બર ૨૦૨૬:

સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં રાશનકાર્ડ અને આધારકાર્ડમાં નામ કે સ્પેલિંગના તફાવતને કારણે નાગરિકોને મુશ્કેલી ન પડે તેમજ પાત્ર લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ આયુષ્માન કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાઓનો સરળતાથી લાભ મળી શકે તે હેતુથી મુંદરા તાલુકામાં પ્રજાલક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે.

 

તાલુકા આરોગ્ય તંત્ર અને મહેસૂલ તંત્રના સંયુક્ત પ્રયાસોથી ‘સેવા સેતુ’ ઝુંબેશ અંતર્ગત રાશનકાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી કરવા તથા નામ, અટક કે સરનામામાં સુધારો કરવાની કામગીરી વિનામૂલ્યે કરવામાં આવશે. આ કામગીરી માટે ગ્રામજનોએ તાલુકા મથકે કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં રહે અને પોતાના ગામમાં જ આશા બહેનો મારફતે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.

 

આશા બહેનો બનશે ગ્રામજનો માટે સેવા સેતુ

 

આ કામગીરીને સરળ બનાવવા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ પોતાના ગામના આશા કાર્યકરનો સંપર્ક કરી જરૂરી ફોર્મ વિનામૂલ્યે મેળવવાનું રહેશે. ફોર્મ સાથે જરૂરી પુરાવા જોડીને આશા બહેનને પરત આપવાના રહેશે. ત્યારબાદ સંબંધિત પ્રક્રિયા સેવા સેતુના આયોજન હેઠળ હાથ ધરવામાં આવશે.

 

આ વ્યવસ્થાથી નાગરિકોને કચેરીઓના વારંવાર ચક્કર કાપવા, લાંબી લાઈનમાં ઊભા રહેવા કે વચેટિયા મારફતે કામગીરી કરાવવાની જરૂર નહીં પડે. કોઈપણ પ્રકારની સેવા ફી કે પોર્ટલ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં.

 

ચાર ગ્રામ્ય અને બે શહેરી કેમ્પનું આયોજન

 

સેવા સેતુ કાર્યક્રમ હેઠળ મુંદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૬ ઓગસ્ટથી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન જિલ્લા પંચાયત સભ્ય દીઠ એક કેમ્પ મુજબ કુલ ચાર કેમ્પ યોજાનાર છે. જ્યારે શહેરી વિસ્તારમાં ૨૧ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર દરમિયાન બે કેમ્પ યોજવામાં આવશે.

 

નાગરિકોને આ સુવિધાનો મહત્તમ લાભ મળે તે માટે ગામડાઓમાં આશા બહેનો દ્વારા જરૂરી માર્ગદર્શન અને ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

 

આશા ફેસિલિટેટરોની તાલીમ બેઠક યોજાઈ

 

આ સમગ્ર કામગીરીને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે તાલુકા આરોગ્ય અધિકારી ડો. મેહુલ બલદાણીયાની અધ્યક્ષતામાં, મામલતદાર શ્રીમતી કલ્પનાબેન ગોંડિયા તથા તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ મુંદરા ખાતે આશા ફેસિલિટેટર (આશા સુપરવાઈઝર) બહેનોની તાલીમ બેઠક યોજાઈ હતી.

 

બેઠકમાં રાશનકાર્ડ સંબંધિત વિવિધ કામગીરી અંગે આશા બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્થળ પર જ નામ ઉમેરવા માટે ફોર્મ નં. ૩, નામ કમી કરવા માટે ફોર્મ નં. ૪ તથા નામ/અટક સુધારા માટે ફોર્મ નં. ૬ આશા બહેનોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા.

 

બેઠકમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર ઝવેરભાઈ નાથાણી, તાલુકા હેલ્થ વિઝીટર કમળાબેન ફફલ, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર પ્રકાશભાઈ ઠક્કર, તાલુકા પ્રોગ્રામ કોઓર્ડિનેટર રાજેશભાઈ ચુઈયા, પૂરવઠા ડેપ્યુટી મામલતદાર પ્રેમજીભાઈ સંઘાર તથા મુજેદભાઈ મલેક ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

નામ ઉમેરવા માટે કયા પુરાવા જરૂરી?

 

રાશનકાર્ડમાં નામ ઉમેરવા માટે ફોર્મ નં. ૩ સાથે જન્મના દાખલાની નકલ, સ્થળાંતરના કિસ્સામાં જૂના સ્થળેથી નામ કમી કર્યાનો દાખલો, સંબંધિત સભ્યોના આધારકાર્ડની નકલ તથા મોબાઈલ નંબર આપવાનો રહેશે.

 

પુત્રવધૂના કિસ્સામાં પિયરના રાશનકાર્ડમાંથી નામ કમી કર્યાનો દાખલો તેમજ લગ્ન નોંધણી પ્રમાણપત્ર અથવા લગ્ન કંકોત્રી રજૂ કરવાની રહેશે.

 

નામ કમી કરવા માટે

 

રાશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે ફોર્મ નં. ૪ સાથે લગ્નના કારણે નામ કમી કરવાનું હોય તો લગ્ન કંકોત્રી અથવા મેરેજ સર્ટિફિકેટની નકલ, અવસાનના કિસ્સામાં મરણનો દાખલો, મૂળ બારકોડેડ રાશનકાર્ડની નકલ તથા મોબાઈલ નંબર રજૂ કરવાનો રહેશે.

 

નામ, અટક કે સરનામામાં સુધારા માટે

 

રાશનકાર્ડમાં નામ, અટક અથવા સરનામામાં સુધારો કરાવવા માટે ફોર્મ નં. ૬ સાથે જન્મનો દાખલો અથવા એલ.સી.ની નકલ, લાઈટ બિલ અથવા ઘરવેરાની પહોંચ, સુધારેલા આધારકાર્ડની નકલ તથા મોબાઈલ નંબર રજૂ કરવાનો રહેશે.

 

કચેરીના ધક્કા વિના ગામમાં જ સેવા

 

આ પ્રજાલક્ષી પહેલનો મુખ્ય હેતુ નાગરિકોને સરળતાથી સરકારી સેવા ઉપલબ્ધ કરાવવાનો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને નાની-નાની કામગીરી માટે તાલુકા મથકે આવવું ન પડે અને સમય તથા ખર્ચ બંનેની બચત થાય તે માટે આશા બહેનોને સેવા સેતુ તરીકે જોડવામાં આવી છે.

 

મુંદરા તાલુકાના તમામ નાગરિકોને તા. ૧૯ સપ્ટેમ્બર સુધીમાં પોતાના ગામના આશા કાર્યકરનો સંપર્ક કરી રાશનકાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા અથવા જરૂરી સુધારા કરાવવાની આ વિનામૂલ્યે સુવિધાનો મહત્તમ લાભ લેવા તાલુકા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

1_646_1_SEVASETU urban 2018092982 1_647_1_SEVASETU Rural 2018092931 2018092997

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!