નવસારીમાં દાદાભાઈ નવરોજીની ૨૦૨મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી…..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રખર નેતા, ‘સ્વરાજ’ શબ્દના ઉદ્ઘોષક અને નવસારીના પનોતા પુત્ર શ્રી દાદાભાઈ નવરોજીની ૨૦૨મી જન્મજયંતિ નિમિત્તે આજે નવસારી મહાનગરપાલિકા તથા દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનમાળા સમિતિ દ્વારા લક્ષ્મણ હોલ ખાતે ભાવભર્યો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના મેયરશ્રી અશોક ધોરાજીયા, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર શ્રીમતી કેયુરીબેન દેસાઈ, નવસારી જીલ્લા સંગઠન પ્રમુખ ભૂરાલાલ શાહ, મનપા સ્થાયી સમિતિના ચેરમેનશ્રી મુકેશ અગ્રવાલ, નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાય (IAS), દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનમાળા સમિતિના ચેરમેનશ્રી પ્રોફેસર જશુભાઈ એમ. નાયક તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારીના ચેરમેન ડૉ. ધર્મેશ કાપડિયા, મનપા સાંસ્કૃતિક વિભાગના ચેરમેન પરેશ ભારતીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે લક્ષ્મણ હોલ ખાતે દાદાભાઈ નવરોજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મહાનુભાવોએ ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કાર્યક્રમમાં નવસારીના વિવિધ શાળાના આચાર્યો-શિક્ષકો, એન.એસ.એસ., જે.આર.સી. તથા રેડક્રોસના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોએ દાદાભાઈ નવરોજીના રાષ્ટ્રપ્રેમ, સ્વરાજના વિચાર અને ભારતની આઝાદીની ચળવળમાં તેમના ઐતિહાસિક યોગદાનને યાદ કરી યુવા પેઢીને તેમના જીવન અને વિચારોમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દાદાભાઈ નવરોજીના રાષ્ટ્રભક્તિપૂર્ણ વિચારો અને સંદેશને ઉજાગર કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દાદાભાઈ નવરોજીને શ્રદ્ધાપૂર્વક નમન કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો.


