
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
કચ્છના પ્રવાસનને વેગ આપવા રૂ. ૧૭૯ કરોડના લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ તેમજ ઈ-ખાતમૂહુર્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલો રણોત્સવ આર્થિક સામાજિક વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ
એકત્વ- એક દેશ, એક ગીત, એક ભાવના”ની સંસ્કૃતિને ઉજાગર કરીને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતો ઉત્સવ એટલે રણોત્સવ કચ્છનો રણોત્સવ આજે ગ્લોબલ ઇવેન્ટ બન્યો છે
સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી રચાયેલું “ધોરડો મોડેલ” વિશ્વભરના તજજ્ઞો માટે એક કેસ સ્ટડી
રણોત્સવમાં પરંપરાગત કચ્છી ભૂંગાઓ અને આધુનિક ટેન્ટ સિટીથી “વિકાસ ભી વિરાસત”નો અભિગમ થયો છે સાકાર
ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાનું માધ્યમ બન્યો કચ્છનો રણોત્સવ
વડાપ્રધાન એ જળશક્તિ સાથે જનશક્તિને જોડીને કચ્છમાં કાયાપલટ કરી
રણોત્સવમાં પ્રવાસીઓની સુવિધા માટે માળખાકીય સુવિધાઓ વિકસાવવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ
ભુજ,તા-૦૫ ડિસેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો સફેદ રણ ખાતેથી રણોત્સવ ૨૦૨૫-૨૬નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત વંદે માતરમ-રાષ્ટ્રીય ગીતના ૧૫૦ વર્ષના અવસરને સાંકળતા “એકત્વ- એક દેશ, એક ગીત, એક ભાવના” થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો, કચ્છી કલા અને ગુજરાતની સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓને નિહાળી હતી. આ સાથે જ કચ્છના પ્રવાસનને વેગ આપવા અંદાજે રૂ. ૧૭૯ કરોડના ખર્ચે ધોરડો, લખપત ફોર્ટ અને ઐતિહાસિક તેરા ગામના વિવિધ વિકાસકામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યું હતું.રણોત્સવના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રણ, દરિયો અને ડુંગરના કુદરતી સૌંદર્યની ત્રિવેણી ધરાવતા કચ્છના કાળા ડુંગરે બિરાજતા ગુરુદત્તાત્રેયની જન્મજયંતિએ ભાવપૂર્વક વંદન કરીને જણાવ્યું હતું કે, માગશર મહિનામાં પૂર્ણિમાએ પૂર્ણ કળા ખીલેલા ચંદ્રની શીતલ ચાંદનીમાં સફેદ ચાદર ઓઢીને સૂતેલા કચ્છના રણનું સૌંદર્ય અલૌકિક અને નયનરમ્ય હોય છે.મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અન્ય જગ્યાએ નાગરિકો જ્યારે “રણ” શબ્દ સાંભળે તો ઉજ્જડ વેરાન ભૂમિની કલ્પના કરતા હોય છે, પરતું ગુજરાતમાં “રણ” શબ્દ બોલાય ત્યારે લોકોના મનમાં રણોત્સવની યાદો ઉભરી આવે છે.રણોત્સવના વિકાસનો શ્રૈય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપીને મુખ્યમંત્રી એ કહ્યું હતું કે, સફેદરણને પ્રવાસનનું તોરણ તથા દુનિયાભરના ટુરિસ્ટ માટે ફેવરીટ ડેસ્ટિનેશન બનાવવાનું સપનું વડાપ્રધાન એ જોયું હતું. આ સપનું આજે સાકાર થયું છે અને રણોત્સવ એ ગ્લોબલ ઇવેન્ટ બની છે. વડાપ્રધાન ની પ્રેરણાથી સમાજ, સંસ્કૃતિ અને સમૃદ્ધિના સંગમથી રચાયેલું “ધોરડો મોડેલ” વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તે સમયે કહ્યું હતું કે, એક દિવસ દુનિયાભરમાંથી પ્રવાસીઓ ધોરડો આવશે અને કચ્છની સંસ્કૃતિને માણશે. આ વાત આજે સાચી થઈ છે અને યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશને ધોરડોને ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’નો એવોર્ડથી નવાજ્યુ છે. કચ્છી ભૂંગા અને કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિ સાથે આધુનિક સુવિધા સાથેના ટેન્ટ સિટીથી વડાપ્રધાન નો “વિરાસત ભી, વિકાસ ભી” અભિગમ સાકાર થયો છે.કચ્છના રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળવા સાથે રણ ઉત્સવને અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ ગણાવતા મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, રણોત્સવમાં આવતા લાખો સહેલાણીઓના કારણે પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળવા સાથે ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણનું મહત્વનું પરિબળ બન્યું છે.મુખ્યમંત્રી એ જણાવ્યું કે, આત્મનિર્ભર ભારત તથા દેશની સમૃદ્ધિમાં ટૂરીઝમનું યોગદાન ખૂબ મહત્વનું હોવાનું માનતા વડાપ્રધાનશ્રીએ ટૂરીઝમના વિકાસ માટે ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂક્યો છે. પ્રવાસનના વિકાસ માટે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થયું છે. તેનો મોટો લાભ પ્રવાસન પ્રવૃત્તિ અને ખાસ રણોત્સવને મળી રહ્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે હજી વધારેને વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા મુખ્યમંત્રી એ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.જળશક્તિ સાથે જનશક્તિને જોડીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેનાલ અને પાઈપલાઈનના વિશાળ નેટવર્કથી કચ્છમાં બેસ્ટ વોટર મેનેજમેન્ટ દ્વારા નર્મદાના પાણીને કચ્છના છેવાડાના ગામ મોડકૂબા સુધી પહોંચાડ્યા હોવાનું જણાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, કચ્છમાં રણ તો વર્ષોથી હતું પરંતુ અહીં સુધી પહોંચવા માટે ઉત્તમ રસ્તા, બસ કનેક્ટિવિટી, ભુજ સુધી રેલ અને એર કનેક્ટિવિટી વડાપ્રધાન ના વિઝનથી મળતા પ્રવાસીઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગત રણોત્સવમાં ૧૦ લાખથી વધુ પ્રવાસીઓએ સફેદ રણનો આનંદ માણ્યો હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રીએ વિકાસ અને વિરાસતનો સમન્વય ધરાવતો રણોત્સવ દિશાદર્શક બનશે એવો વિશ્વાસ આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો. પ્રવાસીઓને રણોત્સવના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ટૂરીઝમ થકી સ્વદેશી વસ્તુઓના વેચાણને વેગ મળવા સાથે સ્થાનિક સંસ્કૃતિથી પ્રવાસીઓ પરિચિત બને છે તે જરૂરી છે. તેઓએ રણોત્સવને માત્ર પ્રવાસન સ્થળ નહીં “એકત્વ- એક દેશ, એક ગીત, એક ભાવના”ની સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો થકી રાષ્ટ્રીયતાનો સંદેશ આપતો ઉત્સવ ગણાવ્યો હતો.મુખ્યમંત્રી એ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના આત્મનિર્ભર ભારતના નિર્માણના માટે નાગરિકોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ આ સંકલ્પને સાકાર કરવા પ્રવાસન ક્ષેત્રને અગ્રેસર બનાવી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી એ કચ્છના પ્રવાસનને વેગ આપવા રૂ.૧૭૯ કરોડથી વધુના લખપત કિલ્લા અને તેરા હેરિટેજ વિલેજનું ઇ-ખાતમુહૂર્ત અને ધોરડોના વિવિધ વિકાસ કાર્યોનું ઈ- લોકાર્પણ કર્યું હતું. ધોરડો ખાતે મુખ્યમંત્રી એ સફેદ રણની મુલાકાત લઈને રણના સૌંદર્ય સાથેના સૂર્યાસ્તના નજારાને માણ્યો હતો. તેઓએ ધોરડો ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારત, એક ભારતના વિઝનને જનજન સુધી પહોંચાડવાની ભાવનાને ચરિતાર્થ કરતા સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગની પ્રસ્તુતિ દરમિયાન શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ કેશુભાઈ પટેલ,પ્રદ્યુમ્નસિંહ જાડેજા,અનિરુદ્ધભાઈ દવે, પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જીએલપીસીના એમડી સુધીર પટેલ, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરશ્રી પ્રભવ જોષી, આગેવાન દેવજીભાઈ વરચંદ, ધોરડો ગ્રામ પંચાયત સરપંચ મિયાં હુશેન સહિતના પદાધિકારિ ઓ અને અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતાં.








