Rajkot: રાજકોટ ખાતે પ્રોજેક્ટ ‘લાઈફ’ની મુલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
તા.૭/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મુખ્યમંત્રીશ્રીએ પ્રોજેક્ટ ‘લાઈફ’ની આરોગ્ય, શિક્ષણ સહિતની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી
Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તેમની રાજકોટ મુલાકાત દરમિયાન રેસકોર્સ રોડ પર આવેલ પ્રોજેક્ટ ‘લાઇફ’ સંસ્થાની મુલાકાત લઈ તેમના દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અંગે તલસ્પર્શી જાણકારી મેળવી હતી. આ તકે મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય, શિક્ષણ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા પ્રોજેક્ટ લાઇફના પ્રદર્શન હોલને નિહાળીને તેની કામગીરીને બિરદાવી હતી. આ અવસરે સંસ્થાના અગ્રણીશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરી સન્માન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ૪૭ વર્ષથી પ્રોજેક્ટ લાઈફ માનવ કલ્યાણલક્ષી કામગીરીને આગળ વધારી રહી છે. સંસ્થા દ્વારા વર્ષ ૧૯૯૧ થી શરૂ કરાયેલા ‘થેલેસેમિયા નાબૂદી અભિયાન’ અંતર્ગત અત્યાર સુધીમાં ૭ લાખથી વધારે યુવાનોના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમજ ૭ લાખથી વધુ બ્લડ અને બ્લડ યુનિટ જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવ્યું છે. ઉપરાંત ૧૨૧ સરકારી શાળાઓનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે. ‘થેલેસેમિયા નાબૂદ ગુજરાત અભિયાન’ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં પ્રોજેક્ટ લાઇફ જેવી સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે.
આ તકે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી શશિકાન્તભાઈ કોટિચા, એક્ઝિક્યુટિવ ટ્રસ્ટીશ્રી ચંદ્રકાંતભાઈ કોટિચા, જોઈન્ટ ટ્રસ્ટીશ્રી કિરીટભાઈ વસા, પ્રોજેક્ટ લાઇફ સંસ્થાને આગળ વધારતા સી.ઈ.ઓ સુશ્રી મિતલબેન કોટિચા શાહ, શ્રી ઋષિકેશ પંડ્યા સહિત મહાનુભાવોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.