ANJARGUJARATKUTCH

જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જોગણીનાર ખાતે અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ યોજાઈ.

દરેક લોકોએ નાગરિક સંરક્ષણ તાલીમ લેવી ખૂબ જ જરૂરી: જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- અંજાર કચ્છ.

નાગરિક સંરક્ષણ કચેરી ભુજ કચ્છની અગરિયાઓને વિશેષ તાલીમની પહેલને બિરદાવતા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ

૩૦૦ જેટલા અગરિયાઓને નાગરિક સંરક્ષણ તાલીમ સાથે સીપીઆર તાલીમ, આંખોની તપાસ કરાઈ

અંજાર,તા-15 એપ્રિલ :  કચ્છના અંજાર તાલુકાના જોગણીનાર મંદિર પરિસરમાં અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણની તાલીમના વિશેષ આયોજન બાબતે હર્ષની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, અગરિયાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નાગરિક સંરક્ષણ તાલીમ અને સીપીઆર તાલીમને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવીને જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે ઉમેર્યું હતું કે, અગરિયાભાઈઓ આ તાલીમથી પોતાનો અને અન્ય લોકોનો જીવ બચાવવા માટે સક્ષમ બનશે. નાગરિક સંરક્ષણ કચેરી ભુજ કચ્છના અગરિયાઓને વિશેષ તાલીમ આપવાના અભિગમને બિરદાવીને જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની તાલીમનું આયોજન સતત થતું જ રહેવું જોઈએ અને લોકોએ ઉત્સાહભેર આ તાલીમમાં સહભાગી બનવું જોઈએ.આ તાલીમમાં નાગરિક સંરક્ષણ કચેરી કચ્છના ડેપ્યુટી કંટ્રોલર અને અધિક કલેક્ટરશ્રી ડી.કે. પંડ્યાએ કચ્છીજનોને નાગરિક સંરક્ષણ તાલીમમાં ઉત્સાહભેર સહભાગી થવા અને અન્ય નાગરિકોને પણ પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રી અગરિયાઓની તાલીમ દરમિયાન હાજરી આપીને તેમનો ઉત્સાહ વધાર્યો તે બદલ અધિક કલેકટરશ્રી ડી.કે. પંડ્યાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. ૧૦૦ વધારે અગરિયાઓને આંખોની તપાસ એલએમએન લાયન્સ હોસ્પિટલ ભુજના સહયોગથી કરવામાં આવી હતી. જે પૈકી ૧૪ વ્યક્તિઓના મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટે લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે રિફરની કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી સમયમાં કચ્છ જિલ્લાના વસવાટ કરતા ૩૮૦૦ જેટલા અગરિયા કુટુંબો તેમજ ૭૯૪૭ જેટલા માછીમારોને કેન્દ્રમાં રાખીને નાગરિક સંરક્ષણ તાલીમના કાર્યક્રમમો હાથ ધરવામાં આવનારા છે.કચ્છમાં અગરિયાઓને નાગરિક સંરક્ષણ તાલીમ કેમ જરૂરી? ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતના કચ્છ જિલ્લાને ચક્રવાત આવવાની “અત્યંત સંભવિત” કેટેગરી એટલે કે “P-2” કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. કચ્છમાં ચક્રવાત અને વાવાઝોડાની આપદા સમયે માછીમારો, અગરિયાઓ અને દરિયા કાંઠા વિસ્તારમાં વસતા નાગરિકો સૌથી વધુ પ્રભાવિત થાય છે. કચ્છ જિલ્લાના રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, ભુજ, અબડાસા, મુન્દ્રા અને લખપત તાલુકામાં ૪૦૦૦થી વધુ અગરિયા કુટુંબો કચ્છના રણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મીઠું પકાવવાનો વ્યવસાય કરીને આજીવિકા મેળવે છે. જ્યારે વાવાઝોડા જેવી આપદાઓ આવે ત્યારે તેની સીધી જ અસર અગરિયાઓને થાય છે અને આ સમયે ‘નાગરિક સંરક્ષણ તાલીમ’ જીવનરક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે.અગરિયાઓ અને માછીમારોને ચક્રવાત, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સમયે કેવી રીતે જાનમાલનું રક્ષણ કરવું અને તકેદારીના ક્યાં ક્યાં પગલાંઓ લેવા અંગે વિસ્તૃત જાણકારી આ તાલીમ દરમિયાન આપવામાં આવી હતી. આ તાલીમમાં કચ્છ સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન (KSSMA)નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.‌ અંજાર તાલુકાના સંઘડ, વીરા અને રામપર ગામ તથા મુન્દ્રા તાલુકાના કુકડસર, તુણા અને ભદ્રેશ્વર ગામ અને તેની આજુબાજુના મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓએ તાલીમનો વિશેષ લાભ લીધો હતો. તાલીમના અંતે અગરિયાભાઈઓ માટે હીટવેવ સામે રક્ષણ અર્થે સિવિલ ડીફેન્સ ઓફીસ દ્વારા ઓ.આર.એસ.ના પેકેટ, લાયન્સ હોસ્પિટલ દ્વારા કેપ અને KSSMA દ્વારા ગમછાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલીમ દરમિયાન સામાજિક અગ્રણીશ્રી શંભુભાઈ આહિર, શામજીભાઈ કાનગડ, અંજાર પ્રાંત અધિકારીશ્રી સૂરેશ ચૌધરી, અંજાર મામલતદારશ્રી, રેડક્રોસના સેક્રેટરી શ્રીમતિ મીરા સાવલીયા સહિત પદાધિકારીઓ-અધિકારીઓ અને મોટી સંખ્યામાં અગરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા.બોક્સ : કચ્છ જિલ્લામાં ભુજ, ગાંધીધામ અને નલીયા ખાતે નાગરિક સંરક્ષણની કચેરીઓ કાર્યરત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટેન અને અમેરિકા અને બીજા વિશ્વયુદ્ધ બાદ ૧૯૫૦ થી ૧૯૬૦ સુધી જર્મની અને રશિયા તેમજ સ્વિટ્ઝર્લૅન્ડ અને સ્વીડન જેવા દેશોમાં નાગરિક સંરક્ષણ તંત્રની સ્થાપના કરવામાં આવી હતી. ભારતમાં નાગરિક સંરક્ષણ ધારો સને ૧૯૬૮માં સંસદે લાગુ પાડયો જે અંતર્ગત ભારત દેશમાં કુલ-૨૨૫ જેટલા ટાઉનમાં નાગરિક સંરક્ષણની કચેરી કાર્યરત છે. જે પૈકી ગુજરાતમાં હાલ કુલ – ૧૪ ટાઉનમાં નાગરિક સંરક્ષણ દળ કાર્ય કરી રહ્યું છે. જે અન્વયે કચ્છ જિલ્લામાં ભુજ, ગાંધીધામ અને નલીયા ખાતે નાગરિક સંરક્ષણની કચેરીઓ આવેલ છે.નાગરિક સંરક્ષણ સુધારક ધારા, ૨૦૦૯ના અનુસંધાને નાગરિક સંરક્ષણની વ્યાખ્યામાં “ડીઝાસ્ટર” શબ્દ આવરી લેવામાં આવ્યો અને નાગરિક સંરક્ષણ તંત્રની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવેલું છે. શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે પૂર, ધરતીકંપ, વાવાઝોડું અને માનવસર્જિત (અકુદરતી) આફતો જેવી કે, આગ, મોટા અકસ્માત વગેરે વખતે નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારી/કર્મચારીઓ અને નાગરિક સંરક્ષણના માનદ્ સ્વયંસેવકો ખડે પગે હાજર રહી પ્રજાની સેવાકીય કામગીરી બજાવે છે.

Back to top button
error: Content is protected !!