વઢવાણમાં કલેક્ટરના આદેશથી દરોડા: જાણીતી પિઝા બ્રાન્ડ્સ અને રેસ્ટોરન્ટમાં અનિયમિતતાઓ સામે વહીવટી તંત્રની લાલ આંખ

તા.22/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ વઢવાણ સબ-ડિવિઝનના શહેરી વિસ્તારોમાં ગ્રાહક હિતોનું રક્ષણ કરવા તેમજ તોલમાપના કાયદા- નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ સપ્રાઇઝ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નાયબ કલેક્ટર એમ. જે. ભરવાડ સુરેન્દ્રનગર શહેર મામલતદાર તેમજ તોલમાપ અધિકારીની સંયુક્ત ટીમે શહેરમાં આવેલા વિવિધ પેટ્રોલ પંપ, જાણીતી રેસ્ટોરન્ટ્સ અને મલ્ટીનેશનલ ફૂડ આઉટલેટ્સ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. સંયુક્ત ટીમ દ્વારા આ કામગીરી દરમિયાન બાલાજી ફ્યુઅલ પંપ, સાઈ રેસ્ટોરન્ટ, Domino’s Pizza તેમજ La Pino’z Pizza ખાતે વ્યાપક ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તોલમાપ સંબંધિત સાધનો, વજનકાંટા અને ગ્રાહકોને અપાતી સેવાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંતર્ગત વપરાશમાં લેવાતા એનાલોગ પનીર અંગે પણ સ્થળ પર જરૂરી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સાઈ રેસ્ટોરન્ટ, Domino’s Pizza અને La Pino’z Pizza ખાતે તોલમાપના નિયમોનુસાર હોવા જોઈતા જરૂરી પ્રમાણપત્રો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું હતું. આ ગંભીર બેદરકારી બદલ તંત્ર દ્વારા નિયમોનુસાર સંબંધિત એકમો સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન અન્ય બે મોટી અનિયમિતતાઓ પણ પ્રકાશમાં આવી હતી La Pino’z Pizza ખાતે સગીર વયના બાળકને કામ પર રાખવામાં આવ્યો હોવાની પ્રાથમિક હકીકત ધ્યાને આવી હતી. આ અંગે કાયદેસર તપાસ હાથ ધરી આગળની દંડનીય કાર્યવાહી કરવા માટે શ્રમ અધિકારીને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે. સાઈ રેસ્ટોરન્ટ ખાતે વ્યાપારી હેતુ માટે ગેરકાયદેસર રીતે ઘરેલુ વપરાશના ગેસ સિલિન્ડરનો જથ્થો ઉપયોગમાં લેવાતો હોવાનું જણાઈ આવતા, પુરવઠા ટીમે તે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વઢવાણ પ્રાંત કચેરી, સુરેન્દ્રનગર જિલ્લો દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ, ગ્રાહકોના હિતોનું યોગ્ય રક્ષણ થાય, માપ-તોલમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને તમામ વેપારીઓ કાયદા-નિયમોનું અક્ષરશઃ પાલન કરે તે હેતુથી આગામી દિવસોમાં પણ આવી સરપ્રાઇઝ તપાસ અને કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.



