BHUJGUJARATKUTCH

કચ્છ મ્યૂઝિયમ ખાતે ત્રિ-દિવસીય કલા અને સાંસ્કૃતિક ઉત્સવ ‘કલાવીથિ ૨૦૨૬’ નો પ્રારંભ

કચ્છ યુનિવર્સિટી અને કચ્છ મ્યુઝિયમના સંયુક્ત ઉપક્રમે '૩ ડેઝ ઓફ ક્રિએટિવિટી' આર્ટ ફેસ્ટિવલમાં સહભાગી થવા નાગરિકોને હાર્દિક આમંત્રણ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

આવતીકાલ ૧૮ મે, ૨૦૨૬ ના રોજ ‘આંતરરાષ્ટ્રીય મ્યૂઝિયમ દિવસ’ નિમિત્તે વિશેષ સત્ર યોજાશે.

૧૯ મે, ૨૦૨૬ ના રોજ લાઈવ પ્રિન્ટમેકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન સહિત ‘આર્ટ એન્ડ કલ્ચર’ વિષય પર ‘ટૉક-શૉ’નું થશે આયોજન.

ભુજ,તા-૧૭ મે : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત મ્યૂઝિયમ નિયામકશ્રીની કચેરી, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ્સ વિભાગ તેમજ કચ્છ મ્યૂઝિયમ, ભુજના સંયુક્ત ઉપક્રમે આજરોજ કચ્છ મ્યૂઝિયમના એક્ઝિબિશન હોલ ખાતે ત્રિ-દિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા ઉત્સવ ‘કલાવીથિ ૨૦૨૬’ નો શુભારંભ થયો‌ છે.‌ઉદ્ઘાટન સત્રમાં એક્ઝિબિશન હોલ ખાતે કલાત્મક અને ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો. મહાનુભાવો, શિક્ષણવિદો અને કલાપ્રેમીઓ વચ્ચે કલા, સંસ્કૃતિ અને વારસાના સંવર્ધન અંગે ચર્ચા થઈ હતી અને કલાકારોની કૃતિઓ તેમજ તેમની કલાયાત્રા વિશે વિગતવાર સંવાદ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઉદ્ઘાટન સમારોહમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. મોહનભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવી સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સર્જનાત્મક ઉત્સવની વિધિવત શરૂઆત કરાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કચ્છ મ્યૂઝિયમના ક્યુરેટર ડૉ. મહેન્દ્રસિંહ સુરેલા દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પુરાતત્વ વિભાગના અધિકારીશ્રી જયપાલસિંહ જાડેજા, કચ્છ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ્સ વિભાગના પ્રો. સમીરભાઈ અને પ્રો. કાશ્મીરાબેન સહિત વિભાગના અન્ય પ્રાધ્યાપકો અને કલાજગત સાથે જોડાયેલા મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ૩ ડેઝ ઓફ ક્રિએટિવિટી’ (3 Days of Creativity) થીમ પર આધારિત આ ઉત્સવમાં આગામી બે દિવસ વિવિધ વિશેષ સત્રો યોજાશે. જે અંતર્ગત આવતીકાલે ૧૮ મે, ૨૦૨૬ ના રોજ ‘આંતરરાષ્ટ્રીય મ્યૂઝિયમ દિવસ’ નિમિત્તે વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ૧૯ મે, ૨૦૨૬ ના રોજ લાઈવ પ્રિન્ટમેકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન તથા સાંજે ૫:૦૦ કલાકે ‘આર્ટ એન્ડ કલ્ચર’ વિષય પર એક વિશેષ ટૉક-શૉ યોજાશે.આ કલા પ્રદર્શન આગામી ૧૯ મે સુધી દરરોજ સવારે ૧૦:૦૦ કલાકથી સાંજના ૬:૩૦ કલાક સુધી કલાપ્રેમીઓ, નાગરિકોની મુલાકાત માટે નિઃશુલ્ક ખુલ્લું રહેશે. કચ્છ મ્યૂઝિયમ દ્વારા કલામાં રસ ધરાવતા તમામ નાગરિકોને આ પ્રદર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!