GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લાના દરિયાકાંઠે અને ક્રીક વિસ્તારમાં ૪ જૂન,૨૦૨૬થી ૧ ઓગસ્ટ,૨૦૨૬ સુધી માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ

માછીમારોની સુરક્ષા માટે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસિયા દ્વારા જાહેરનામું જારી કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા-૦૪ જૂન : ચોમાસાની ઋતુમાં દરિયામાં સર્જાતી પ્રતિકૂળ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તથા માછીમારોની સુરક્ષા હેતુ, કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અનિલ રાણાવસિયા (આઈ.એ.એસ.) દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અન્વયે કચ્છ જિલ્લાના સમગ્ર દરિયાકાંઠા અને ક્રીક વિસ્તારમાં માછીમારી કરવા પર કામચલાઉ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ, આગામી તારીખ ૦૪/૦૬/૨૦૨૬ થી તારીખ ૦૧/૦૮/૨૦૨૬ સુધી (આ બંને દિવસો સહિત) કોઈપણ માછીમાર કે અન્ય કોઈ વ્યક્તિએ માછીમારીના હેતુથી સમુદ્રમાં કે ક્રીક વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં. આ સમયગાળા દરમિયાન દરિયામાં કોઈપણ પ્રકારની માછીમારીની બોટની અવરજવર પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માછીમારોના જાનમાલના રક્ષણ માટે વહીવટીતંત્ર દ્વારા આ અત્યંત જરૂરી નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે, રોજબરોજની જરૂરી પ્રવૃત્તિઓ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમુક બાબતોમાં આ હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ પ્રતિબંધ પોર્ટ ઉપર આવતા-જતા તમામ વ્યાપારિક જહાજો, તેમજ લશ્કરી દળો, અર્ધ-લશ્કરી દળો અને પોલીસ વિભાગની બોટોને લાગુ પડશે નહીં. આ ઉપરાંત, દરિયાકિનારે પગપાળા માછીમારી કરતા ‘પગડિયા માછીમારો’, નોન-મોટરાઈઝ્ડ ક્રાફ્ટ એટલે કે લાકડાની બિન-યાંત્રિક (એન્જિન વગરની) એક લાકડી હોડી કે સઢવાળી હોડીઓને પણ આ નિયમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી ભુજ અથવા સંબંધિત પોર્ટ ઓફિસરશ્રી દ્વારા જે બોટને ખાસ પરવાનગી આપવામાં આવી હોય, તે બોટને પણ આ પ્રતિબંધ લાગુ પડશે નહીં.આ જાહેરનામું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલી સત્તાની રૂએ બહાર પાડવામાં આવ્યું છે. જો કોઈ પણ વ્યક્તિ આ સરકારી આદેશનો ભંગ કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાત્મક અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમોનું ચુસ્ત પાલન કરાવવા, ઉલ્લંઘન કરનાર સામે તપાસ કરવા અને ચાર્જશીટ રજૂ કરવાની તમામ સત્તા જિલ્લા પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ અને તે કક્ષાથી ઉપરના તમામ કર્મચારીઓને સોંપવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા માછીમાર ભાઈઓને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!